Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ખંભાલીડા બૌધ્ધ ગુફામાં ગેલેરી ઉપરાંત ઉતરવાના રૂમો-ભોજનાલય-વાંચનાલય-પ્રાર્થના હોલનું કામ ફેઝ-રમાં કરાશે : ૧ કરોડ મંજુર

ટેન્ડરીંગ કાર્ય પણ શરૂ : ભગવાન બુધ્ધની વિશાળ પ્રતિમા ખાસ આકર્ષક રૂપ બનશે

રાજકોટ, તા. ૧૪ :  ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌધ્ધ ગુઠા ખંભાલીડા વિશાળ શિલ્પો ધરાવતી ગુજરાતમાં એક માત્ર છે અને સમગ્ર પશ્ચીમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્ધ શિલ્પ સ્થાપત્ય છે. સુપ્રસિધ્ધ પુરાંતત્વવિદ શ્રી પી.પી. પંડયા એ તેની ૧૯પ૮ માં શોધ કરી જેથી દુનિયાભરના બૌધ્ધધર્મીઓમાં ખુશીની લહેર દોડતી થયેલ. આ રાજય રક્ષીત સ્મારક છે.

તેનાથી ૩૦૦ મીટર દૂર મુલાકાતીઓની સગવડતા માટે બૌધ્ધ શિલ્પ સ્થાપત્યની ડિઝાઇન પ્રમાણે પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસન સ્થળ બની રહેલ છે. ર૦૧૧માં તત્કાલીન નાણામંત્રી શ્રી વજુભાઇ વાળા દ્વારા તેનું ખાતુમુહૂર્ત થયેલ. વિદ્વાન પ્રવાસનમંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે ખુબ ચીવટ સાથે આ પ્રોજેકટ મંજુર કરેલ હતો.

આ પ્રોજેકટનું ૮૦ ટકા કાર્ય થયા બાદ કોઇ કારણોસર તેનું કાર્ય અટકી ગયેલ. ત્યારબાદ શ્રી જવાહરભાઇ ચાવડા પ્રવાસન મંત્રી થતાં તેમણે આ અટકી ગયેલ પ્રોજેકટની સ્થળ પર મુલાકાત લઇને તેનું કાર્ય આગળ વધારવા સુચના આપેલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રજુઆત અન્વયે પ્રોજેકટ માટે ઉંડો રસ લીધો. આ પ્રવાસન સ્થળને પુરૂ કરી મુલાકાતીઓને સુવિધા આપવા તેનું અધુરૂ કાર્ય ફરી શરૂ થઇ રહેલ છે.

જાહેર કરાયેલ પ્રોજેકટ સમયે અહીં ઉતરવાના રૂમ, ભોજનાલય, વાંચનાલય અને પ્રાર્થના હોલ જેમાં ભગવાન બુધ્ધની વિશાળ પ્રતિમા મુકવામાં આવશે તેમ જાહેર કરવામાં આવેલ.

ઉપરાંત બૌધ્ધ ગુફાના જીર્ણોધ્ધાર અને આરક્ષણ માટે પણ સરકારે રૂ. એક કરોડ ફાળવ્યા છે. તેનું પણ ટેન્ડરીંગ કાર્ય શરૂ થઇ ગયેલ છે.

રાજકોટ સ્થિત શ્રી જયાબહેન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પરેશ પંડયા દ્વારા બૌધ્ધ ગુફા અને પ્રવાસન સ્થળ માટે પુરાતત્વ વિભાગ, પ્રવાસન વિભાગ અને મુખ્યમંત્રીને ર૦૦૩ થી રજુઆતો કરી રહેલ છે. પ્રોજેકટ પુરો થયે મુલાકાતીઓને રાહત રૂપ સુવિધાઓ મળશે.

(2:36 pm IST)