Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

હળવદ હાઈવે પર કોયબા ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત પતિ-પત્નીનું કરૂણમોત : એક યુવાન ગંભીર : સુરેન્દ્રનગર રીફર કરાયો

અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજતા ટાંક પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો

હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ પતિ-પત્નીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ આવી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી વિગતો મુજબ હળવદમાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા ૩ અકસ્માતના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત રાત્રિના હળવદ હાઈવે પર આવેલ કોયબા ગામના પાટિયા નજીક અમદાવાદ તરફથી હળવદ તરફ આવી રહેલ કાર નંબર જી.જે.૧૩-સી.ઓ.૦૭૧૫ ડિવાઈડર સાથે અથડાતા બેથી વધુ વખત પલટી મારી ગઇ હતી. જેથી, કારમાં સવાર શામજીભાઈ ભાવજીભાઈ ટાંક (રહે અમદાવાદ) અને તેમના પત્ની જીકુબેન શામજીભાઈ ટાંકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

જ્યારે અનિરુદ્ધભાઈ હીરાભાઈ ડોડીયા (રહે ભલગામડા)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108ની મદદથી હળવદ સરકારી હોસ્પિટલને લઈ આવવામાં આવ્યા હતા. જો કે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે હળવદ પોલીસ મથકના પી.એસ.આઈ. પી. જી. પનારા, વિનુભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસ દ્વારા મૃતદેહોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજતા ટાંક પરિવારમાં કાળો કલ્પાંત વ્યાપી ગયો છે.

(6:54 pm IST)