Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કચ્છના બિઝનેસ વુમન અને રાજકીય મહિલા આગેવાન સાથે અંગત સંબંધો બાંધી બ્લેકમેઇલ કરી ૫૦ લાખ રૂ. પડાવ્યા

અશ્લીલ વીડિયો કિલપ હોવાનું કહી શરીર સંબંધ બાંધી શોષણ કર્યું: મુખ્ય આરોપી સહિત ત્રણ સામે ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૪: કચ્છના ગાંધીધામમાં રહેતા બિઝનેસ વુમન અને રાજકીય મહિલા આગેવાન સાથે શરીર સંબંધ બાંધીને બ્લેક મેઈલ કરી ૫૦ લાખ રૂપિયા પડાવવાની નોંધાયેલી ફરિયાદે ચકચાર સર્જી છે. ભોગ બનનાર ૪૧ વર્ષીય યુવાન મહિલાએ કરેલી ફરિયાદ પ્રમાણે એક વર્ષ અગાઉ તેઓ મેઘપર કુંભારડી ગામના સુલેમાન ઉર્ફે કાકાડા મલુક હિંગોરજાના પરિચયમાં આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.

સુલેમાને નિકાહની લાલચ આપી અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો. તે વચ્ચે અશ્લીલ કિલપ પોતાની પાસે હોવાનું જણાવી સુલેમાને જાતીય શોષણ કરવાની સાથે રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.

તે મહિલાના ૧૮ લાખના સોનાના દાગીના લઈ ગીરવે મૂકી તેની ઉપર ૧૭ લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે વધુ પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. સુલેમાન સાથે બ્લેક મેઇલ કરવામાં તેના બે ભાઈઓ હાજી અને હુસેન પણ જોડાયા હતા.

ત્રણેય ભાઈઓએ ટુકડે ટુકડે ૫૦ લાખ ૩૫ હજાર રૂપિયાની આ ફરિયાદી મહિલા પાસેથી લીધા હતા. આ ચકચારી ફરિયાદ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મુખ્ય આરોપી સુલેમાન અને તેના બે ભાઈઓ હાજી તેમ જ હુસેન મલુક હિંગોરજા સામે તપાસ હાથ ધરી છે.

(10:24 am IST)