Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જસદણ ડેપોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ અચાનક બંધ કરેલી બસ ફરી શરૂ કરવા હોબાળો મચાવ્યો : તમામ બસો રોકાવી દીધી

સવારે ૭.૩૦ વાગ્યાની જસદણ - રાજકોટ વાયા આટકોટ - સરધાર રૂટની બસ બંધ કરાતા રોષે ભરાયા

(નરેશ ચોહલીયા) જસદણ તા. ૧૪ : જસદણ એસ.ટી. ડેપો ખાતેથી સવારે ૭-૩૦ કલાકે ઉપડતી જસદણ-રાજકોટ રૂટની બસ વાયા આટકોટ-સરધારને અઠવાડીયા પહેલા અચાનક બંધ કરી તે બસને વાયા ભાડલા-ભંડારીયા કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો રોષે ભરાયા હતા. જોકે આ અંગે મુસાફરોએ જસદણ એસ.ટી.ડેપોના મેનેજરને બંધ કરેલી બસ ફરી શરૂ કરવાની અનેકવાર રજૂઆતો કરી હતી. છતાં આજદિન સુધીમાં તે બસને વાયા આટકોટ-સરધાર ન કરાતા મુસાફરો અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને જસદણ એસ.ટી. ડેપોમાં જ હોબાળો મચાવી રામધૂન બોલાવી ડેપોમાં પડેલી તમામ રૂટની બસો રોકાવી રોષ ઠાલવ્યો હતો. આ તકે મુસાફરો અને વિદ્યાર્થીઓએ જયાં સુધી જસદણ-રાજકોટ વાયા આટકોટ-સરધાર રૂટની બસ ફરી ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી બધી બસો રોકી રખાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે જસદણ એસ.ટી.ડેપોના મેનેજરને ડીવીઝન માંથી મૌખિક બાંહેધરી મળતા કાલથી ફરી તે રૂટની બસ રાબેતા મુજબ ચાલુ થઈ જશે તેવી ડેપો મેનેજરે મુસાફરો અને વિદ્યાર્થીઓને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

જો કે મુસાફરોએ જણાવ્યું કે, અમે ડેઈલી સવારે ૭-૩૦ વાગ્યાની રાજકોટની બસમાં ૫૦ જેટલા મુસાફરો અને વિદ્યાર્થીઓ અપડાઉન કરીએ છીએ. જોકે બધાને સવારે ૯ વાગ્યે ઓફિસે કે કોલેજે પહોંચવાનું હોય છે. પરંતુ જસદણ એસ.ટી. ડેપો વાળાએ અમને જાણ કર્યા વગર સવારની ૭-૩૦ વાગ્યાની જસદણ-રાજકોટ વાયા આટકોટ-સરધાર રૂટની બસ અચાનક બંધ કરી દીધી છે અને તે બસ વાયા ભાડલા-ભંડારીયા કરી દીધી છે. જેના કારણે અમને બધાને તેમણે હેરાન કર્યા છે. ડેપો મેનેજર દ્વારા આજદિન સુધી કોઈ પગલા ન લેવાતા અમે લોકોએ આજે સવારની ૭-૩૦ વાગ્યાની બસ ફરી ચાલુ કરોની માંગ કરી છે. જોકે તેમણે પોલીસને પણ બોલાવી હતી અને પોલીસે પણ ડેપો મેનેજરને બસની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

પેસેન્જરોની માંગણી હતી કે અમને જસદણ-રાજકોટ વાયા આટકોટ-સરધાર રૂટની ફિકસ બસ આપો. બાકી રાજકોટની અનેક બસો હાજર જ હતી. અગાઉ ડીવીઝન લેવલે કોઈકે રજૂઆત કરેલ જેના પગલે અમે તે બસને વાયા-ભાડલા રૂટથી શરૂ કરી હતી. એ લોકોના પાસ વાયા-ભાડલા હોવાથી ચાલતા ન હતા એટલે તેઓએ વાયા આટકોટ-સરધાર બસની માંગણી કરી હતી. આટકોટ-સરધાર રૂટની દર ૧૫ મીનીટે બસ હતી જ પરંતુ તે લોકોને આ ફિકસ બસ જ જોઈતી હતી. જેથી અમે આ બનાવના અનુસંધાને ડીવીઝનમાં કાગળ મોકલતા અમને ડીવીઝનમાંથી મૌખિક બાંહેધરી આપવામાં આવતા કાલથી ફરી તે રૂટની બસ રાબેતા મુજબ ચાલુ થઈ જશે.તેમ ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું છે.

(11:59 am IST)