Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પડધરીના ન્‍યારાના ગમારા પરિવારની કાર કાગદડી નદીમાં તણાઇઃ વૃધ્‍ધા મણીબેનનું મોત

પુત્ર, પુત્રવધુ અને ભત્રીજાનો બચાવઃ શ્વાસની બિમારીની દવા લઇ કાગદડીથી પરત જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૪: ગઇકાલે ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે નદીઓ બેકાંઠે વહી ગઇ હતી. શહેરમાં પણ અનેક મુખ્‍ય માર્ગો, વિસ્‍તારોમાં પાણી ભરાયા હતાં. વાહનો તણાઇ જવાની ઘટનાઓ પણ બની હતી. દરમિયાન પડધરીના ન્‍યારા ગામના ગમારા પરિવારના ચાર સભ્‍યો સાથેની કાર કાગદડી ગામે નદીમાં તણાઇ જતાં એક વૃધ્‍ધાનું મોત નિપજ્‍યું હતું. તેમને શ્વાસની બિમારી હોઇ દવા લેવા માટે તેઓ પુત્ર, પુત્રવધુ અને ભત્રીજા સાથે કારમાં કાગદડી આવ્‍યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.  
જાણવા મળ્‍યા મુજબ ન્‍યારા ગામે રહેતાં મણીબેન મયાભાઇ ગમારા (ઉ.વ.૬૫)ને શ્વાસની બિમારી હોઇ ગઇકાલે તેમની દવા કાગદડી ગામેથી લેવાની હોઇ તેમને કારમાં બેસાડી પુત્ર કાનાભાઇ મયાભાઇ કાગદડી આવ્‍યા હતાં. સાથે વૃધ્‍ધાના પુત્રવધુ વનીબેન કાનાભાઇ અને ભત્રીજા ધારાભાઇ હકાભાઇ ગમારા પણ હતાં.  
દવા લીધા બાદ પરત ન્‍યારા ગામે આવતી વખતે કાગદડીની નદીમાં બેઠા પુલ પર પાણી વહેતુ હોઇ તેમાંથી કાર હંકારતી વખતે કાર તણાઇ જતાં દેકારો મચી ગયો હતો. જો કે નજીકમાં જ કાર અટવાઇ જતાં બધા બહાર નીકળી ગયા હતાં. પરંતુ વૃધ્‍ધા મણીબેન કારમાંથી નીકળવા જતાં તણાઇ જતાં બેભાન થઇ ગયા હતાં. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાંકુવાડવા રોડ પોલીસ મથકના અજયભાઇ નિમાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારના પતિ પશુપાલનનું કામ કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

 

(11:08 am IST)