Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ખૂલ્લા

ભાવનગર,તા.૧૪ : પાલિતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ મા ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ હોય ડેમના તમામ ૫૯ દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

 ભાવનગર જીલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજય ડેમ  ૪દિવસ  પહેલા જ ઓવરફલો થઇ ગયો હતો . દરમિયાન  ઉપર વાસમાં સારો વરસાદ પડતા શેત્રુંજય ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય ડેમના તમામ ૫૯  દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા હતા , ઉપર વાસ માંથી ૧૮૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા આજે સવારે ડેમના તમામ ૫૯ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે.

૩૪ ફૂટની છલક સપાટી ધરાવતો શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે અને ભાવનગર શહેરને પીવાનું પાણી અને  જિલ્લાના ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડે છે.

 સમીક્ષા કરતાં ધારાસભ્ય

ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીએ છેલ્લાં બે દિવસથી ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અતિભારે વરસાદના કારણે જિલ્લામાં ઉભી થયેલી પરિસ્થિતિ અન્વયે વરસાદી પાણીથી થયેલ નુકસાન અન્વયે જિલ્લા વહીવટીતંત્ર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી અને જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં રાહત અને બચાવ બાબતોની કામગીરીની જરૂરિયાત જણાય શરૂ કરવા તેમણે તંત્ર વાહકોને જણાવ્યું હતું.

(11:48 am IST)