Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જસદણ પાસે કૂતરૃં આડુ ઉતરતા બાઇક સ્લીપ થતા વિંછીયાના વરૂણ રાજપરાનું મોત

વિંછીયા જતો'તોને કાળ ભેટી ગયો : બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૧૪ : જસદણમાં લીલાપુર રોડ પર આવેલ જીનીંગ પાસે જસદણ સાઈડથી વિંછીયા તરફ જતા બાઈકને આડું કુતરૃં ઉતરતા બાઈક સ્લીપ  થતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયામાં બોટાદ રોડ પર આવેલ વાડીએ રહેતો અને સિમેન્ટ પ્રોડકશનનું તેમજ ખેતીકામ કરતો વરૂણ સવશીભાઈ રાજપરા(ઉ.વ.૩૦) સોમવારે સાંજના પોતાનું બાઈક લઈને એકલો જસદણ સાઈડથી વિંછીયા તરફ જઈ રહ્યો હતો. ત્યારે જસદણથી થોડેદુર લીલાપુર રોડ પર આવેલ જીનીંગ પાસે પહોંચતા અચાનક તેના બાઈક આડે કુતરું ઉતરતા તેણે બાઈક પરથી કાબુ બુમાવી બેસતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને યુવાન રોડ પર પટકાયો હતો. જેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જોકે આ અકસ્માતના પગલે સેવાભાવી લોકો એકઠા થઈ ગયા હતા અને યુવાનને ખાનગી વાહન મારફત તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં હાજર તબીબે યુવાનને મૃતક જાહેર કરતા મૃતકના પરિવારજનોમાં કરૂણકલ્પાંત મચી ગયો હતો. બાદમાં મૃતક યુવાનું પી.એમ. કર્યા બાદ તેની લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

મૃત્યુ પામનાર વરૂણ બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી મોટો હતો તેમજ તેને સંતાનમાં એક ૩ વર્ષનો પુત્ર અને ૧ વર્ષની પુત્રી છે. જોકે આ અકસ્માતના બનાવમાં બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો. બાદમાં આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી આરંભી હતી.

(11:48 am IST)