Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જોડીયા-આમરણ પંથકમાં ૭ ઇંચ વરસાદઃ આજી ૪ ડેમના પ૦ દરવાજા ખોલાતા પાક અને જમીન ધોવાણની દહેશતઃ હાટકેશ્વર તળાવ બીજીવાર છલકાયો

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૧૪ :.. સમગ્ર જોડીયા તાલુકામાં ગઇ રાત્રીથી આજ સાંજ સુધીમાં ૭ ઇંચ વરસેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં અતિ ભારે પડેલા વરસાદને કારણે આજી-૪ તથા ઉંડ-ર ડેમના દરવાજા ખોલી પાણી છોડવાની સ્થિતિ ઉભી થતા સર્વત્ર વિસ્તારમાં સ્થળ ત્યાં જળની જળબંબાકાર સ્થિતિનું સર્જન થયું છે. જયારે જોડીયાના બંદર વિસ્તારમાં એક માછીમાર પાણીનાં પ્રવાહમાં ફસાઇ જતાં વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્કયુ કરાયું હતું તેમજ અન્ય ૬ વ્યકિતને સલામત સ્થળે ખસેડાઇ હતી. ખીરી-જાંબુડા વચ્ચેના કોઝવે પર અતિપ્રવાહ તથા કોશિયા ગામ પાસેનાં ડાયર્ઝનનું ધોવાણ થતાં જામનગર-કંડલા કોસ્ટલ હાઇવે પરનો વાહન વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો. કોસ્ટલ હાઇવે પર ઠેર ઠેર જગ્યાએ પાણી પ્રવાહ વહી રહ્યો છે.

આજી-૪ ડેમના પ૦ દરવાજા ૧૦ ફુટ ખોલી પાણી છોડાતા હેઠવાસના બાલંભા - રણજીતપર-તારાણા, મોરાણા-સામપર-માધાપર તેમજ ઊંડ-ર ડેમના ૪પ દરવાજા ૧૦ ફુટ ખોલી પાણી છોડાતા હેઠવાસના બાદનપર-કુનડ-જોડીયા-ભાદરા-આણદા વગેરે ગામોની કૃષિક્ષેત્રની જમીન પર અગાધ પાણી પ્રવાહ ફરી વળતા ઉભેલા પાક અને જમીન ધોવાણની દહેશત વ્યકત થઇ રહી છે.  તમામ ગામો બેટમાં ફેરવાઇ ગયા છે.

સમયપર ગામે વાડીએ કામે ગયા બાદ આજી-૪ ડેમના પાણી ફરી વળતા પ થી ૬ જેટલી વ્યકિત ફસાઇ જતાં મકાનમાં છાપરા પર આશ્રય લીધો હોવાનું મોડી સાંજે જાણમાં આવતાં તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી છે. તેમજ બાલંભા-રણજીતપર માર્ગ વચ્ચે પણ એક વ્યકિત પાણીના પ્રવાહ વચ્ચે ફસાઇ હોવાની જાણ અગ્રણી જેઠાલાલ અઘેરા દ્વારા તંત્રને કરવામાં આવી છે.જોડીયા તા. પં. પૂર્વ પ્રમુખ જેઠાલાલ અઘેરા તથા જિ. પં. સદસ્યા ચંદ્રીકાબેન અઘેરાએ અસરગ્રસ્ત ગામોના સંપર્કમાં રહી જણાવ્યું હતું કે જોડીયા પંથકમાં ભારે વરસાદ અને ડેમોમાંથી છોડવા પડેલા અગાધ પાણીને કારણે કૃષિ ક્ષેત્રને ભારે નુકસાની થયાની દહેશત વ્યકત કરી હતી. પાણી ઓસર્યા બાદ મોટાપાયે નુકસાનીનો અંદાજ મેળવી શકાશે. નદી કાંઠાળ ગામોના ખેતરોમાં ઉભેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. મોટાપાયે ખેતરોમાં માટીના પાળાનું તેમજ જમીન ધોવાણ નિશ્ચિત છે. ગ્રામ્ય માર્ગોનું પણ વ્યાપક ધોવાણ થયું છે.

આમરણ ચોવીસી પંથકમાં પણ ૭ ઇંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. હાટકેશ્વર તળાવ બીજીવાર ઓવરફલો થઇ રહયું છે. ડેમી નદી બેકાંઠે વહી રહી છે.

(11:56 am IST)