Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગોંડલનાં ડૈયા-ત્રાકુડા-કોલીથડમાં પાણીમાં ફસાયેલા લોકોને હેલીકોપ્ટરની મદદથી બચાવાયા : ૬૦૦ થી ૭૦૦ લોકોનું સ્થળાંતર

ગોંડલઃ ગોંડલ તાલુકાના ડૈયા પાસે ખેતરમાં ફસાયેલા ખેતર માલીક તથાં ખેત મજુરી કરતાં આદિવાસી પરીવારો સહીત ૧૯ વ્યકિતઓને પ્રાંત અધિકારી રાજેશ આલ,ગોંડલ ફાયર સ્ટાફ તથાં યુવા અગ્રણી ગણેશસિહ જાડેજા સહીતનાંએ ચારથી પાંચ કલાકની જહેમત બાદ સલામત બહાર કાઢી બચાવ કરાયો હતો.દોરડાં બાંધી તમામ નું રેસ્કયુ કરાયું હતું.આ વેળા જીલ્લા કલેકટર,ડીડીઓ સહીત નું તંત્ર ડૈયા દોડી ગયું હતું ડૈયા પાસે છાપરવાડી તથાં મોતિસર નદીઓનાં પાણી ભરાયાં હોય નદીઓમાં ઘોડાપુર આવ્યાં હોય ખેતરો ફરતે પાણી ફરી વળ્યા હતા.બહાર નિકળવાનો માર્ગ નહીં મળતાં કેટલાંક મજુરો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયાં હતાં. ફસાયેલાઓને બચાવવા હેલીકોપ્ટરની મદદ મંગાઇ હતી પરંતું ખરાબ હવામાનનાં કારણે હેલીકોપ્ટર પંહોચી શકયુ ન હતુ. ગોંડલ તાલુકાના પાટીયાળી પાસે આવેલો મોતિસર ડેમ ઓવરફ્લો થતાં તેનાં તમામ પંદર દરવાજા ખોલી નખાયા છે.ડેમનાં નિચાણમાં આવેલાં હડમતાળામાં મફતીયાપરામાં પાણી ઘુસ્યા હોય લોકો ભયભીત બન્યાં છે. મોતિસર ડેમ ઓવરફ્લો થતાં પાટીયાળી, હડમતાળા, કોલીથડ સહીતનાં ગામોને એલર્ટ કરાયાં છે.ભારે વરસાદને કારણે ગામડાંને જોડતાં માર્ગો અને ખેતરો પાણીમાં ગરક થયાં છે.વાડી ખેતરોમાં અનેક લોકો ફસાયા હતા. છેલ્લાં ચોવીસ કલાકનાં ભારે વરસાદ થી ગોંડલ પંથક તરબતર બન્યો છે.શહેરની જીવાદોરી સમા વેરી તળાવ બે ફુટે ઓવરફ્લો થયું છે.જેને પગલે આશાપુરા તથાં સેતુબંધ ડેમ ઓવરફ્લો થયાં છે.તાલુકા નાં લુણીવાવ ગામ પાસે આવેલાં ૩૧.૫૫ મી.ની સપાટી ધરાવતો છાપરવાડી-૧ ડેમ પાંચ ફુટથી ઓવરફ્લો થયો છે.અને ૫૮,૦૦૦ કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.છાપરવાડી ડેમ ઓવરફ્લો થતાં નિચાણમાં આવેલાં ડૈયા, ચરખડી, કોલીથડ, લુણીવાવને એલર્ટ કરાયાં છે. ગોંડલ તાલુકાનું ખડવંથલી ગામ અંદાજે આઠ ઇંચ વરસાદને લઇ પાણીમાં ફસાયું હતું.કોબા ડેમ ઓવરફલો થતાં ગામ ફરતાં પાણી ફરી વળ્યા હતા.ખાતરનાં ગોડાઉન તથાં દુધ મંડળીમાં ચાર ફુટ થી વધું પાણી ભરાયાં હતાં. ગામમાં નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હોય ખડવંથલીની હાલત કફોડી બનવાં પામી છે. ગોંડલ તાલુકાના ડૈયા,ત્રાકુડા,વેજાગામ અને કોલીથડનાં સીમ વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરોમાં ફસાયેલા ખેત મજુરોનો બચાવ કરવાં ડે.કલેકટર રાજેશકુમાર આલ દ્વારા જીલ્લા કલેકટરને જાણ કરાતાં જામનગર થી હેલીકોપ્ટર મંગાવવા તજવીજ ધરાઇ હતી.પરંતુ જામનગરમાં પણ ભારે ખાનાખરાબી સર્જાઇ હોય હેલીકોપ્ટર આવવું મુશ્કેલ બન્યું હતું.ગોંડલમાં ગત મોડી રાતથી જોરદાર વરસાદ વરસવો શરું થતાં આજ સાંજ સુધીમાં ૧૦ ઇંચ વરસાદ પડયો છે. ગત રાત્રીનાં આઠ વાગ્યાથી સવારનાં આઠ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ તથાં સાંજનાં પાંચ સુધીમાં સાત ઇચ મુશળધાર વરસાદ પડયો છે.વરસાદને કારણે ગોંડલી નદી માં દ્યોડા પુર આવ્યાં હતાં.પુરનાં પાણી બાલાશ્રમ પાસે નદીકાંઠે ઝુંપડા માં દ્યુસતા તંત્ર દ્વારા લોકો નું સ્થળાંતર કરાયું હતું.ભારે વરસાદના પગલે શહેર ની હાલત જળબંબાકાર બની હતી.રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા.ઉમવાડા તથાં આશાપુરા અંડરબ્રીજ માં પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો.ભોજરાજપરા માં તોતીંગ વૃક્ષ ધરાશાયી થવાં પામ્યું હતું. (અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય, તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(12:02 pm IST)