Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

હજારો પશુઓને બોગસ હેલ્થ સર્ટિફીકેટ ઇસ્યુ કરનાર અંજારના પશુ તબીબ સામે ફરિયાદ

''આ તે કેવી જીવદયા પ્રેમી સરકાર? નિકાસ માટેના ર૮ હજાર પશુઓને એક જ નંબર ધરાવતું સર્ટિ.આપ્યું તેની સામે પગલા ભરવાની રજુઆત પછીયે સરકારે કોઇ કામગીરી ન કરી, અંતે હાઇકોર્ટમાં રાવ''

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : રાજયની ભાજપ સરકારના જીવદયા પ્રેમી સરકાર હોવાના દાવાનો છેદ ઉડાડતી  ઘટનાએ ચકચાર સર્જી છે. પાંચ વર્ષ જુના આ બનાવમાં પશુપાલન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કચ્છના અંજાર તા.ના તૃણા બંદરેથી નિકાસ થતા  ઘેટા-બકરાઓ માટે હેલ્થ સર્ટિફીકેટ જરૂરી હોય છે. આવા કિસ્સામાં ર૦૧૬-૧૭ દરમ્યાન પશુપાલન વિભાગના તબીબ આર.ડી.પટેલે ર૮૧૩૬ પશુઓના હેલ્થ સર્ટિફીકેટ ઇસ્યુ કર્યા હતા. આ તમામ સર્ટિફીકેટ એક જ નંબરના હતા.આમ, એક સાથે હજારો પશુઓને એકજ નંબરનું સર્ટિફીકેટ આપી બોગસ હેલ્થ ચેક અપ સર્ટિફીકેટ ઇસ્યુ કરવા અંગે એનિમલ વેલ્ફેર બોર્ડના સદસ્ય કમલેશ શાહે કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ બોગસ સર્ટિફીકેટ મામલે પશુપાલન વિભાગને પગલા ભરવા પણ જણાવાયું હતું. પણ, પાંચ વર્ષ સુધી કોઇ કાર્યવાહી ન કરતા અંતે કમલેશ શાહે આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પિટિશન કરતા ફરી આ મામલો ચર્ચામાં આવ્યો છે. હવે પશુ તબીબ આર.ડી.પટેલ સામે પશુ પાલન વિભાગ અને સરકાર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

(12:05 pm IST)