Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દ્વારકામાં મોસમનો ૧૦૬% વરસાદ વરસી ગયો!

દેવભૂમિ જિલ્લામાં ૧ થી ૪ ઇંચ વરસાદઃ કાલે વધુ વરસવાની આગાહીઃ ડેમોમાં નવા નિર આવ્યા

ખંભાળીયા તા. ૧૪ :.. દ્વારકા જિલ્લામાં  બે દિવસ પહેલા દોઢથી સાડા પાંચ ઇંચ વરસાદ પછી ગઇકાલે ફરી મેઘરાજાએ રાઉન્ડ લઇને એકથી ચાર ઇંચ વ્યાપક વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. તથા અનેક જળાશયોમાં નવા નીર આવ્યા હતાં. તો અનેક ચેક ડેમો, તળાવો છલકાઇ ગયા હતાં.

ર૪ કલાકમાં જોઇએ તો ખંભાળીયામાં રર મીમી, દ્વારકામાં પ૭ મી. મી., કલ્યાણપુરમાં ૯૮ મી. મી. તથા ભાણવડમાં સૌથી વધુ ૧૦ર મી. મી. વરસાદ પડયો હતો દ્વારકામાં મોસમનો ૧૦૬ ટકા વરસાદ સરેરાશ પડી ગયો છે. જયારે બાકીના તાલુકામાં ૯૪ થી ૯૮ ટકા સુધી વરસાદ પડી ગયો છે.

ગઇકાલે ભારે વરસાદથી જિલ્લાના ૬૦ થી વધુ મોટા તળાવો, ચેક ડેમો છલકાઇ ગયા હતા તો અનેક ગ્રામ્ય પંથકમાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતાં.

ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાના જણાવ્યા મુજબ આજે વરસાદ મધ્યમ પડશે આવતીકાલે વધુ પડશે  તથા ૧૬-૯ સુધી વ્યાપક પડશે.

દ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદ પડતા રર થી ર૪ ઇંચ વરસાદે પણ ખાલી પડેલા ડેમોમાં નવા પાણીની આવક શરૂ થતાં લોકોને શાંતિનો અનુભવ થયો છે.

સિંહણ ડેમમાં આ વખતે ૪ાા ફુટ પાણીની આવક થતાં ર૩ ફુટની ઉંચાઇનો આ ડેમ હવે ૧૩ાા ફુટ જેટલો ભરાઇ ગયો છે. તો ખંભાળીયા શહેર તથા તાલુકાના ર૬ જેટલા ગામોની જળ યોજનાનો સ્ત્રોત એવા ઘી ડેમમાં પણ ત્રણ ફુટ જેટલું નવું પાણી આવતા સપાટી ૭ાા ફુટ પહોંચી ગઇ છે તથા ખંભાળીયા શહેરને એક વર્ષ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ થઇ ગયો છે.

ભાણવડ પાસે વર્તુ-ર ડેમમાં ઉપરવાસ પાણીની આવક થતાં ડેમની સપાટી વધતા ત્રિવેણી સંગમ ઇન્દ્રેશ્વર પાસે ખાલીખમ ડેમ માં ભરપુર પાણી આવતા મોટાભાગના પગથીયા પાણીમાં ડૂબી ગયા છે. બે પગથીયા રૂટમાંથી બાકી તથા ડેમમાં ભરપુર જળરાશિની આવક થઇ છે. ભાણવડ શહેરને પાણી પુરૂ પડતા સતસાગર ડેમમાં પણ નવું ર૬ ફુટ પાણી આવેલું છે.

પાંચ ડેમ ૦.૦પ મી. થી ૦.૬૧ મી. ઓવરફલો

દેવભૂમિ જિલ્લામાં વ્યાપક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમ ઓવરફલો થયા છે. જેમાં કંડોરણા ડેમ, મહાદેવીયા ડેમ, વર્તુ-૧, ફલરકા તથા સોનમતી ડેમ ૦.૦ર મી. થી ૦.૬૧ મી. ઓવરફલો થયા છે.

બચાવ ટૂકડીઓ સ્ટેન્ડ બાય

ખંભાળીયા શહેરમાં અતિવૃષ્ટિના સંદર્ભમાં જિલ્લા કલેકટરશ્રી એમ. એ. પંડયા દ્વારા સુચના ના અનુસંધાને ખંભાળીયા પાલિકા દ્વારા સ્ટેન્ડ બાય ની સ્થિતિમાં બે ટીમો રાખવામાં આવી છે તથા નવા ભરતી થયેલા ફાયર બ્રીગેડના જવાનોને પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા છે.

ખંભાળીયામાં ભારે વરસાદ પડે ત્યારે કાચા મકાનવાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધાન રહેવા તથા જરૂર પડયે ખંભાળીયા પાલિકા પ્રમુખ  શ્રીમતી ભાવનાબેન ૯૪૦૯૪ ૯રરપ૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.

હાલ નવા ફાયર બ્રીગેડના સ્ટાફ સાથેની ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે. જરૂર પડયે આશ્રય સ્થાનમાં લોકોને રાખવા વ્યવસ્થા કરાઇ છે. તથા હાલ ગણપતિ વિસર્જન હોય તેમાં પણ ઘી નદી પાસે ફાયર બ્રીગેડના જવાનો ગોઠવાયા છે.

જિ.શિ.ની વિડીયો કોન્ફરન્સ

દેવભુમી દ્વારકા જીલ્લામાં ધો.૮ માંથી ધો. ૯ માં પ્રવેશથી વંચીત રહી ગયા હોય તેવા છાત્રોના સંદર્ભમાં જિ.શિ. શ્રી ભાવસિંહ વાઢેર, એજયુ. ઇન્સ્પેકટર શ્રી વિમલભાઇ કિરત સાતા દ્વારા જિલ્લાના પ્રાથમીક માધ્યમીક શાળાના આચાર્યો સી.આર.સી. બી.આર.સી. વિ.ની મીટીંગ યોજાઇ હતી.

હાલ દ્વારકા જીલ્લામાં ધો.૮ માં અભ્યાસ કરીને પાસ થયેલા ધો.૯ માં પ્રવેશના લીધો હોય તેવા રર૬૬ છાત્રો છે જેમાં દ્વારકા તા.માં સૌથી વધુ ૭૭૭ તથા ભાણવડમાં રપપ મળીને કુલ રર૬૬ હોય તેમને રેકીંગ કરીને ર૦-૯-ર૧ સુધીમાં પ્રવેશ આપવા વ્યવસ્થા કરવા જરૂર પડયે વાલીઓનો સંપર્ક કરવા માટે જણાવાયું હતું. તથા પ્રાથમીક માધ્યમીક શાળાના આચાર્યોને તાકીદ કરીને શહેરી વિસ્તારમાં વોર્ડવાઇઝ બી. આર.સી.ને કામગીરી સોંપાય છે. જિ.શિ.ની મંજુરીથી ધો.૯ થી ૧રમાં ર૦-૯-ર૧ સુધીમાં પ્રવેશ આપી શકાશે.

(1:24 pm IST)