Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

કેશોદમાં ૮ ઇંચ વરસાદઃ સિઝનમાં સૌ પ્રથમ વખત નદીઓમાં પુર

ગઇકાલ સવારથી આજ સવારના ૬ સુધીમાં ૩ાા ઇંચ વરસ્યા બાદ વધુમાં ૪ાા ઇંચ વરસી જતા પાણી પાણી : શહેરના નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ સાબળી ડેમના દરવાજા ખોલાતા મધરવાડા, ડેરવાણ, માણેકવાડા, સહિતના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં રેડ એલર્ટ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૪ : છેલ્લા ર૪ કલાકમાં આઠ ઇંચ જેવો વરસાદ પડી જતા સર્વત્ર પાણી પાણી થઇ જવા પામેલ છે. રવિવાર રાતથી વરસાદી માહોલ ગઇકાલે અને આજે સવારે પણ યથાવત રહેતા ચોમાસુ સીઝનના અંતિમ પડાવમાં સૌ પ્રથમ વખત નદીઓમાં પુર જોવા મળેલ હતુ.

૧પ જુન બાદ જુલાઇ ઓગષ્ટ દરમિયાન અપેક્ષીત વરસાદનો અભાવ જણાતા લોકો ચિંતિત બનેલ હતા. વરસાદ માટે ધોરી માસ ગણાતા સમય દરમિયાન સામાન્ય વરતા ઉભા મોલને તો જીવતદાન મળી ગયેલ હતુ. પરંતુ સ્થિતિ જોતા આગામી દિવસોમાં પીવાના પાણીના પ્રશ્નનું સંકટ સામે દેખાઇ રહયુ હતુ. આ દરમિયાન એટલો સામાન્ય વરસાદ વરસી રહયો હતો કે મોટા ભાગનું પાણી ભુગર્ભ ગટરમાં વહી જતા એક પણ વખત નદીઓમાં અપેક્ષીત પાણી જોવા મળેલ ન હતુ. પાણીનો જરૂરી કવોટા પુર્ણ કરવા માટે પ્રવર્તમાન સંજોગોમાં ઉભો થયેલ માહોલ રાહત રૂપ સાબીત થયેલ છે.

દરમિયાન અત્રેથી લગભગ ૪ કિ.મી. દુર મામલતદાર ઓફિસ સ્થિત કંટ્રોલરૂમ ખાતે ગઇકાલ સવારના છ થી આજે સવારના છ વાગ્યા સુધીમાં ૮૭ મી.મી. (૩ાા ઇંચ) વરસાદ નોંધાયા બાદ આજ સવારના છ થી નવ દરમિયાન વધુ ૧૦૮ મીમી (૪ાા ઇંચ જેવો) વરસાદ નોંધાતા સીઝનનો કુલ ૮૭૬ મીમી (૩પ ઇંચ) વરસાદ થવા પામેલ છે.

લગભગ છેલ્લા ૩૬ કલાકથી સક્રીય બનેલ ચોમાસુ સીઝનના કારણે અત્રેની મેઘના સોસાયટી, ગાંધીનગર સોસાયટી, જાગનાથ વિસ્તાર સહિતના શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયેલ છે.

દરમિયાન સુત્રોના જણાવ્યા મુજબ સાબળી નદી (ડેમ)ના દરવાજા ખોલાતા મધરવાડા, ડેરવાણ, માણેકવાડા સહિતના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોને રેડ એલર્ટ કરવામાં આવેલ છે.

(1:30 pm IST)