Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોમાં હાઇએલર્ટ તલાટીઓને હેડ કવાટર્સ નહીં છોડવા સૂચના

ભાદર-ર ડેમના દરવાજા ખોલ્યા : કુતિયાણાના ચૌટગા સરડિયા થેપડા થઇ જુનાગઢ જતો રસ્તો બંધ : નદી કાંઠા વિસ્તારમાં લોકોને સાવચેત કરાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ :  ભાદર-ર ડેમના દરવાજા ખોલવામાં આવતા જિલ્લાના ભાદર કાંઠાના ગામોમાં તંત્ર દ્વારા હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. તલાટીઓને હેડ કવાટર્સ નહીં છોડવા સુચના અપાઇ છે.

કુતિયાણા ચૌટા, સરડિયા પેવડા થઇ જુનાગઢ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

ભાદર-૨ ડેમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાણીની સતત આવક ચાલુ છે જેના પગલે ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા અગાઉથી પોરબંદર જિલ્લાના ભાદર કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પોરબંદરના કલેકટર અશોક શર્માએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ના સંબંધિત અધિકારીઓ તેમજ સંબંધિત ગામોના કર્મચારી,  પ્રાંત અધિકારી મામલતદાર શ્રીઓને પણ જરૂરી કામગીરી તેમજ લોકોને સાવચેત કરવા જણાવ્યું છે. સંબંધિત ગામોને તલાટીઓને હેડ કવાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.

કુતિયાણા તાલુકાના રોઘડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા જયારે પોરબંદર તાલુકાના  ગરેજ, ચીકાસા, નવીબંદર અને મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે. કુતિયાણાના ચૌટા સરડિયા થેપડી થઇ જુનાગઢ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

(1:38 pm IST)