Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મુખ્યમંત્રી બદલવા પડે એ દર્શાવે છે કે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ છે: અમિત ચાવડા

ભુજમાં કોંગ્રેસ પ્રમુખની સટાસટી, નીતિનભાઈ, ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ સહિતના સિનિયરના અરમાન રોળાયા હોવાનો ટોણો, 'આપ' ગુજરાતમાં નિષ્ફળ, કોંગ્રેસ હાઈ કમાન્ડ જો પ્રદેશ પ્રમુખ બદલશે તો નવી જવાબદારી સ્વીકારવા તૈયાર

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) ગુજરાત કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત બે દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ભુજમાં પત્રકાર પરિષદ યોજી રાજકીય બાબતો અંગે સટાસટી બોલાવી હતી. વિધાનસભાની આવનારી ચુંટણી પહેલાં ગુજરાતમાં સક્રીય રાજકીય પાર્ટીઓ ભાજપ, આપ અને કોંગ્રેસના મુદ્દે અમિત ચાવડાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. ભાજપ અને આપ સામે આક્રમક પ્રહારો કરનાર અમિત ચાવડા પોતાના માતૃ પક્ષ કોંગ્રેસના મુદ્દે રક્ષણાત્મક રહ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિયુક્તિ અંગે કોંગ્રેસ પ્રમુખે આકરા શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું હતું કે, આ ભાજપ સરકારની નિષ્ફળતા છે. પણ, માત્ર ચહેરો જ બદલાયો છે, ચરિત્ર નહીં. ગુજરાતની ભાજપ સરકાર દિલ્હીના નેતાઓના રિમોટ કંટ્રોલ અને ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓના ઈશારે ચાલે છે. પ્રજા મોંઘવારીથી બેહાલ છે, યુવાનો બેરોજગાર છે, વ્યાપારીઓ ધંધા વગર પરેશાન છે, આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે પણ સરકાર કરોડો રૂપિયાના નવા નવા ખર્ચાઓ કરવામાં વ્યસ્ત છે.

ભાજપના મુખ્યમંત્રી પદને લઈને વ્યંગ કરતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટોણો માર્યો હતો કે નીતિનભાઈ, ભૂપેન્દ્રસિંહ અને પ્રદીપસિંહ જેવા ભાજપના સિનિયર નેતાઓના અરમાન રોળાયા છે. ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે એટલે લોકોને ભ્રમિત કરવા મુખ્યમંત્રી બદલાવ્યા છે. ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીઓ વચ્ચે 'આપ'ની એન્ટ્રી વિશે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આપ એ ભાજપની બી ટીમ છે. અગાઉની બે ચૂંટણીઓ તેમ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આપ ગુજરાતમાં મોટે ભાગે નિષ્ફળ જ છે. આગામી ચુંટણીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોણ હશે? કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બદલવાની ચાલતી કવાયત વિશે પત્રકારોએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈ કમાન્ડ જે નિર્ણય કરે તે સ્વીકાર્ય હશે અને સંગઠન જે નવી જવાબદારી સોંપશે એ પૂર્ણ રીતે નિભાવીશ. પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવકતાઓ દીપક ડાંગર, ઘનશ્યામસિંહ ભાટી, ગની કુંભાર ઉપસ્થિત રહ્યા હતા.

(1:45 pm IST)