Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી: અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી

સૌનું જીવન બહેતર બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, એક પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહીં રહે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસર પામેલા જામનગરના ધુંવાવ ગામ, જામનગર શહેરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર તેમજ લાલપુર રોડ પરના આશીર્વાદ સોસાયટી વિસ્તારની મુલાકાત લઈ અસરગ્રસ્તો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો સંવેદનાપૂર્વક  પ્રત્યક્ષ  સાંભળીને મેળવી હતી.
મુખ્યમંત્રીએ આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે, જન પ્રતિનિધિઓ જનતાની પડખે ઊભા છે. કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પદગ્રહણ પછી તત્કાલ જ પુરની સ્થિતીમાં સંકટમાં ઘેરાયેલા જામનગર જિલ્લાની મુલાકાત લઇ તમામ મદદ કરવા માટે તત્પરતા દર્શાવી છે.
મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ વગેરે પણ જોડાયા હતા.

(6:53 pm IST)