Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબી ખાડાનગરીમાં ફેરવાયું : ઠેરઠેર ફૂટ-ફૂટના ગાબડા:મોટાભાગના માર્ગોમાં ખાડા પડતા ટ્રાફિકજામની સાથે અકસ્માતનું જોખમ

લાતીપ્લોટ પાણીમાં ગરકાવ:ખાડા ઉપર પાણી ભરેલું હોય થોડે દૂરથી ન દેખાતા ખાડામાં ખાબકતા વાહનચાલકો :ટૂંક સમયમાં માર્ગોની યોગ્ય મરમત્ત કરાશે : ચીફ ઓફિસર

મોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સામાન્ય વરસાદમાં પણ માર્ગોની બદસુરત શિકલ થઈ ગઈ છે અને મયુરનગરી ખાડાનગરીમાં ફેરવાઈ જતા અનેક મુખ્યમાર્ગો ઉપર ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે. જો કે ખાડા પાણીમાં ગરકાવ હોવાથી દૂરથી ખાડા ન દેખાતા તેમાં વાહનચાલકો ખાબકે છે. મોટાભાગના માર્ગોમાં ખાડા પડતા ટ્રાફિકજામની સાથે અકસ્માતનું જોખમ સર્જાયું છે. જ્યારે શહેરની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટ પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિક લઘુ ઉધોગકારોની કફોડી દશા થઈ ગઈ છે.


મોરબીમાં સામાન્ય વરસાદમાં પણ ઘણા માર્ગો પર ઠેરઠેર ખાડા પડી ગયા છે. જેમાં શનાળા રોડ, ગાંધીચોક પાસે નગરપાલિકા કચેરી સામેના રોડ ઉપર, શાક માર્કેટ ચોક, સિવિલ હોસ્પિટલ સામે ગાંધી ચીક સર્કલ ઉપર, શનાળા રોડ જીઆઈડીસી રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડ પાસે, છોટાલાલ પેટ્રોલ પંપ નજીક, રવાપર રોડ ઉપર ચકીયા હનુમાનજી મંદિર સામે, રવાપર રોડ ઉપર પેટ્રોલ પંપ સામે, જુના બસ સ્ટેન્ડ પાસે, અયોધ્યા પુરી મેઈન રોડ ઉપર અને આ રોડના નાકા ઉપર આસ્વાદ પાન નજીક સહિતના ઘણા મુખ્યમાર્ગ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. તેમજ લાતીપ્લોટ વિસ્તારમા મોટાભાગની શેરીઓમાં પાણી ભરાયા છે. તેથી સ્થાનિક લઘુ ઉદ્યોગકારો અને શ્રમિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ લાતીપ્લોટ વિસ્તારમાં ઘણી શેરીઓમાં રોડનું નામોનિશાન જ ન હોવાથી આ વિસ્તારની હાલત નાજુક થઈ ગઈ છે.
લાતીપ્લોટમાં પાણી ભરાવવાની સાથે કાદવ કીચડ જામતા ગંદકી ફેલાય રહી છે.જ્યારે શહેરના ઘણા મુખ્યમાર્ગો મગરની પીઠ જેવા બની ગયા છે. અમુક જગ્યાએ ખાડામાં પાણી ભરેલું હોય પાણીને કારણે ખાડા ન દેખાતા વાહનચાલકો તેમાં ખાબકે છે. આમ રોડ ખરાબ થવાથી ટ્રાફિકજામની સમસ્યા અને અકસ્માતનું જોખમ પણ ઉદ્દભવ્યું છે. જ્યારે ઉમિયા સર્કલથી માંડીને રવાપર ચોકડી સુધીનો કેનાલ રોડ બનવાને કારણે બાજુમાં કાચા માર્ગે આપેલા ડાઈવર્ઝનને યોગ્ય રીતે રીપેર ન કરતા આ વરસાદમાં ડાઈવર્ઝનમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. આથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય વહેલીતકે તંત્ર આ માર્ગોની હાલત સુધારવા નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.
રોડની ખરાબ દશા અંગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે વરસાદથી માર્ગોની જે ખરાબ હાલત થઈ છે, તેનું યોગ્ય રીપેરીંગ કરવા માટે ટૂંક સમયમાં નગરપાલિકા દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરાશે. જો આજે રાત્રે વરસાદ નહિ હોય તો રાત્રીથી માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવશે, મોરમ અને જૅસીબીની મદદથી યોગ્ય રીપેરીંગ કરી રોડની હાલત સુધારવામાં આવશે.

(7:22 pm IST)