Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

મોરબી આસપાસ હાઇવે પર માટી-પથ્થરો ઠાલવી દેતા ભારે વાહનોના ચાલકો સામે લોકોમાં આક્રોશ.

હાઇવે પર ત્રાજપર ચોકડી પાસે બ્રિજ નીચે પથ્થરોના ઢગલા ખડકી દેવાતા ટ્રાફિકજામ અકસ્માતનું જોખમ છતાં તંત્ર પગલાં ન ભરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ

મોરબી મોરબી નજીક નેશનલ હાઇવે પર છેલ્લા ઘણા સમયથી હેવી વાહનો ખુલ્લેઆમ માટી કે પથ્થરોના ઢગલા ખડકી દેતા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને હાઇવે પર માટી-પથ્થરો ખડકી દેવાની ભારે વાહનોના ચાલકોની મનમાની યથાવત રહેતા લોકો લાલઘૂમ થઈ ગયા છે. જેમાં હાઇવે પર ત્રાજપર ચોકડી પાસે બ્રિજ નીચે પથ્થરોના ઢગલા ખડકી દેવાતા ટ્રાફિકજામ સર્જાયો છે. અકસ્માતનું જોખમ છતાં તંત્ર પગલાં ન ભરાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મોરબીના હાઇવે ઉપર છેલ્લા કેટલાક સમયથી હેવી વાહનો ભારે દાદાગીરી કરીને રોડ ઉપર માટી કે પથ્થર તેમજ અન્ય રોમટીરીયલ ઠાલવીને પલાયન થઈ જાય છે. હાઇવેની વચ્ચોવચ માટી કે પથ્થર તેમજ અન્ય રોમટીરીયલના ઢગલા ખડકાયેલા હોવાથી વાહનચાલકો ઉપર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. હમણાંથી હાઇવે ઉપર માટી કે પથ્થર તેમજ અન્ય રોમટીરીયલના ઢગલા ખડકી દેવાની મનમાની યથાવત રહી છે.
જેમાં હાઇવે ઉપર આવા માટીના ઢગલા કરવાના બનાવો રોજિંદા બન્યા હોવા છતાં સંબધિત તંત્ર પગલાં ન ભરાતા લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. દરમિયાન ગતરાત્રે પણ હેવી વાહન ચાલકોએ પોતાના વાહનમાં રહેલા માટીયુક્ત પથ્થરોના ઢગલા સામાંકાંઠે હાઇવે પર ત્રાજપર ચોકડી નીચે રોડની વચ્ચોવચ ઢગલા ખડકી દીધા હતા. જેમાં એક વાહનમાંથી થોડા-થોડા અંતરે માટીયુક્ત પથ્થરોના ઢગલા કરીને આખી ગાડી ખાલી કરી દેવામાં આવી હતી.
જેમાં એક જાગૃત નાગરિકે ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, હાઇવે ઉપર અવારનવાર ઢગલા કરવા જાણે ફરજિયાત હોય એમ હેવી વાહનોએ આજે ત્રાજપર ચોકડી નજીક હાઇવેના સર્વિસ રોડનો વારો લીધો હતો. આ રોડની હાલ વરસાદથી પથારી ફરી ગઈ છે. ઉપરાંત રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરી દેવાતા આજે ટ્રાફિકજામ થયો હતો. વાહનચાલકો ઉપર અકસ્માતનું ભારે જોખમ રહેતું હોવાથી સંબધિત તંત્ર જવાબદાર હેવી વાહનો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

(7:22 pm IST)