Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અબડાસામાં શકિતસિંહ વિરૂધ્ધ કામ કરનાર સેંઘાણીને કોંગ્રેસની ટિકિટ, તો ભાજપે પક્ષપલ્ટો કરનાર પ્રદ્યુમનસિંહને આપી ટિકિટ

સી.આર. પાટીલ અને રાજીવ સાતવ ભલે પક્ષના વફાદારોની વાહ વાહ કરે પણ ભાજપ, કોંગ્રેસ બંને પક્ષોમાં વફાદારો કોરાણે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૪ : અબડાસાની બેઠક મુદે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને મીડીયાની ચર્ચાઓમાં કોંગ્રેસ તરફથી ધારદાર દલીલો સાથે છવાયેલા રહેનાર કૈલાસદાન ગઢવીના રાજીનામા સાથે જ રાજયની ૮ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. બીજી તરફ ભાજપના કચ્છના વર્તુળોમા પણ એવી ચર્ચા છે કે, ગત ચુંટણીમાં પ્રચાર દરમ્યાન પ્રધ્યુમનસિંહ જાડેજાએ ભાજપ વિરુદ્ઘ પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસમાંથી ચુંટાયા બાદ તેઓ ભાજપ સરકાર સામે ધરણા અને ઉપવાસ કરતા હતા હવે એજ પ્રધ્યુમનસિંહની તરફેણમાં પ્રચાર દરમ્યાન લોકોને શું કહેશું? એ વાત અલગ છે કે, રાજકારણમાં આવું બધું ચાલતું જ રહે છે, પણ અહી સવાલ મતદારોના વિશ્વાસનો છે. જેને મત આપી ચુંટ્યા હોય એ પક્ષ પલ્ટો કરે અને ફરી પ્રજાના ખર્ચે ચુંટણી થાય એ વાત મતદારોને ખૂંચે છે. કોંગ્રેસના આગેવાન કૈલાસદાન ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાંં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારને ટિકિટ આપ્યાની વાત કરી. તે ચર્ચા મુજબ કોંગ્રેસના દિગ્ગ્જ નેતા શકિતસિંહ ગોહીલ જયારે અબડાસામાં ચુંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપે છબીલ પટેલ (કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર)ને ટિકિટ આપી હતી ત્યારે શાંતિલાલ સેંઘાણીએ કોંગ્રેસને બદલે ભાજપ તરફે કામગીરી કરી છબીલ પટેલને મદદ કરી હતી. જોકે, અબડાસા વિસ્તારમાં પટેલ મત નિર્ણાયક છે, શાંતિલાલ સેંઘાણી તબીબ તરીકે લોકપ્રિય છે, વર્ષોથી અહી સ્થાયી છે. બીજી તરફ ભાજપે કોંગ્રેસની ટિકિટ ઉપર ચુંટાયેલા પ્રદ્યુમનસિંહ જાડેજાને ટિકિટ આપી છે. પ્રધ્યુમનસિંહ જાડેજા અબડાસામાં નોધપાત્ર એવા   ટ્રાન્સપોર્ટના વ્યવસાયક્ષેત્રે સંગઠનમાં સંકળાયેલ છે. વ્યકિતગત તેઓ પણ વર્ષોથી અહી કાર્યરત છે. જોકે, મૂળ વાત એ છે કે, પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટિલે ખોંખારો ખાઈને કહ્યું હતું કે, ભાજપમાં હવે કોંગ્રેસવાળાઓ નહી આવે, પક્ષમા વફાદારોની કદર થશે. પેરાશુટ ઉમેદવારો નહી હોય. તો, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ કોંગ્રેસમાં વફાદારોને સ્થાન આપવાની વાત કરી હતી. જોકે, ખરી વાસ્તવિકતા તો એ છે કે, વર્તમાન રાજકારણમાં જેનો સિક્કો ચાલી શકે તેવા ઉમેદવારોની જ બોલબાલા રહે છે.
 

(11:31 am IST)