Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સાવરકુંડલાના વંડાના લેખક સુધીરભાઇ મહેતાને અમેરીકાની હિન્દુ યુનિવર્સિટી દ્વારા પીએચડીની માનદ ડિગ્રી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૪: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાબાના વંડા ગામના લેખક તથા રાજ્ય એવં રાષ્ટ્રિય એવોર્ડ ટીચર શ્રી સુધીરભાઇ મહેતાને અમેરીકા દેશની હિન્દુ યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી (ડોકટરેટ)ની માનદ પદવી તાજેતરમાં એનાયત કરવામાં આવેલ છે.

શ્રી સુધીરભાઇ મહેતાની આજીવન શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રની બહુ મુલ્ય સેવાઓ તથા વિવિધ સામાજીક લોક કાર્યોની નોંધ લેતા પી.એચ.ડીની માનદ પદવી અમેરીકાની હિન્દુ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ છે.

૬૨ વર્ષની ઉંમરના શ્રી મહેતાએ બાવીશ જેટલા લોક ભોગ્ય પુસ્તકોનું સર્જન કરીને સમાજના ખોળે ધરેલા છે. અનેક એવોર્ડ અને પારિતોષિકથી સન્માનિત થયા છે. અનેક સંસ્થાઓએ તેમની સેવાઓ ધ્યાને લઇ બહુમાન આપે છે.

વિશ્વ વિખ્યાત અમેરીકાની હિન્દુ યુનિવર્સિટી દ્વારા અપાયેલ પી.એચ.ડીની માનદ પદવી એનાયત થતા સુધીરભાઇ મહેતાને સગૌરવ સમગ્ર સમાજ અને પ્રસંશકો અભિનંદન આપી રહ્યા છે. તેમણે અમરેલી જિલ્લા -રાજ્ય રાષ્ટ્રનું ગૌરવ વધારેલ છે.

(11:23 am IST)