Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ભાવનગર વર્ધમાન બેંકમાં ફસાયેલા વધુ એક કરોડ રૂ. પરત લાવવામાં નાગરિક બેંકને સફળતા

રીઝર્વ બેંકની સુપરવાઇઝરી નિયંત્રણો હટયા : રૂ. દોઢ કરોડના નફા સાથે બેંકની સધ્ધર આર્થિક સ્થિતિ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૪ : ર૦૦૩-૦૪ના વર્ષોમાં રાજયના સહકાર ખાતાના આગ્રહથી વર્ધમાન કો.ઓપ. બેંક જે મુશ્કેલીમાં હતી તેને પાટે ચઢાવવા ભાવનગર નાગરિક સહકારી બેંકે વહીવટ સંભાળી રૂ. ૧૦ કરોડ જેવી રકમ રોકેલ અને બેંક પ્રગતિ કરી રહી હતી, પરંતુ શહેરની અન્ય બે સહકારી બેંકો ફડચામાં જતા વર્ધમાન બેંક ઉપર પણ અસર થયેલ અને રૂ. દસ કરોડ જેવી રકમ પરત મેળવવી મુશ્કેલ થયેલ તે રજુઆતો પાછી ર૦૧૬-૧૭ના વર્ષોમાં બે કરોડ ચોવીસ લાખ જેવી રકમ પાછી મેળવેલ અને ગત સપ્તાહે વધુ એક કરોડ રૂપિયા પરત મેળવવામાં સફળતા મળી છે તેમ ભાવનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ જે રકમ પરત આવવાનું કઠિન થઇ ગયું હતું તે સતત રાજયના સહકાર ખાતા અને જિલ્લા રજીસ્ટ્રારશ્રી પાસે વિનંતી ચાલુ રાખીને કુલ રૂ. ૩ કરોડ ૧૪ લાખ પરત મેળવ્યા છે. રાજયના રજીસ્ટ્રારશ્રી ડી.પી. દેસાઇ, જોઇન્ટ રજીસ્ટ્રારશ્રી વાસણાવાલા અને જિલ્લા રજીસ્ટ્રારશ્રી ધર્મેશ ગઢવીએ સહકાર આપ્યો છે.

બેંકની ડીપોઝીટ અને ધિરાણમાં સતત વૃદ્ધિ થઇ છે. ડીપોઝીટ રૂ.૧પ૬ કરોડ ઉપર અને ધિરાણ ૮૭ કરોડ ઉપર પહોંચ્યું છે. એન.પી.એ ઘટીને ૭.૦૬% થયું છે અને નેટ એ.પી.એ શૂન્ય છે. ગવર્નમેન્ટ સિકયુરીટીમાં રોકાણો રૂ.૯૪ કરોડના છે. આ વર્ષે ઇન્સ્પેકશન કર્યા પછી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નાણાકીય પરિસ્થિતિ સંતોષકારક જણાતા બેંક ઉપરના સુપરવાઇઝરી નિયંત્રણો ઉઠાવી લેવાયા છે તે મહત્વની બાબત છે.

આત્મનિર્ભર-૧ અને આત્મનિર્ભર-ર યોજનાઓમાં રૂ. આઠ કરોડ જેટલું ધિરાણ નાના અને મધ્યમ વર્ગને કરેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત હાઉસીંગ લોનમાં રૂ.ર.૬૭ લાખની મહત્તમ સબસીડી આપવામાં આ બેંકને આવરી લેવાઇ છે. તમામ આધુનિક પદ્ધતિથી બેન્કીંગ સેવાઓ અપાઇ રહી છે અને નેટ બેન્કીંગ માટે પણ આયોજન છે. બેન્કીંગ ઇન્ફોર્મેશન કિયોસ્ક પણ હેડ ઓફીસમાં શરૂ કરાયું છે.

એમ.ડી. પ્રદીપભાઇ દેસાઇ તથા વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ બારૈયા તથા જનરલ મનેજર નરેન્દ્રાભાઇ વેગડે જણાવ્યું હતું કે, બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાય ભાવનગર અને બોટાદ જિલ્લાની સહકારી બેંકોના સહયોગથી ગુજરાત અર્બન કો.ઓપ. બેંકના ડિરેકટર પદે સતત બીજી વાર બિનહરિફ ચૂંટાયા છે અને રાજયકક્ષાએ બેંકનું ગૌરવ વધ્યું છે.

પ્રદીપભાઇ દેસાઇ, મહેન્દ્રભાઇ બારૈયા અને નરેન્દ્રભાઇ વેગડે વધુમાં જણાવ્યું હતું કે આ બેંકમાં સૌના ટીમ વર્કથી પ્રગતિ થઇ છે. ભથ્થા બાબતનો ત્રણ વર્ષ માટેનો કરાર બે-ત્રણ દિવસમાં જ થનાર છે. આ બેંક શહેરના અર્થતંત્રને તો સુદૃઢ સહકાર આપવા તથા પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.

આ પત્રકાર પરિષદમાં બેંકના ડિરેકટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ શાખા મેનેજરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:30 am IST)