Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હરસુખભાઇ ચાંદ્રાણીઃ પૂ.જલારામબાપાની પાંચમી પેઢીએ સેવાનો ધબકાર

હરસુખભાઇએ જુનાગઢમાં અખંડ રામ નામ સંકિર્તન ધૂન મંડળની સ્થાપના કરી છેઃ 'જનકલ્યાણ' મેગેઝીનના માનદ પ્રતિનિધિ તરીકે પ્રેરક સેવાઃ હરસુખભાઇ ચાંદ્રાણી 'જલારામ'ના હુલામણા નામથી ઓળખાય છે

જુનાગઢ તા. ૧૩ : ''જનકલ્યાણ''ના સંસ્થાના મોટા-માનદ્દ પ્રતિનિધિઓની યાદીમાં પ્રત્યેક ''જનકલ્યાણ-અંક''માં જુનાગઢના સેવાભાવી માનદ્દ પ્રતિનિધિ તરીકે જેમનું નામ પ્રકાશિત થતું રહ્યું છે તે શ્રી એચ.એચ.ચાંદ્રાણી, અખંડ રામધૂન સંકિર્તન મંદિર, અંબિકા ચોક (ફોન ર૬ર૭૬૭૭-મો. (૯૪ર૮૩ ૭૩પપ૪) આ પમરાટ છે. ''રામનામ''ની પરપંરાની પુષ્પ પાંખડીનો !

તેઓ કહે છે તેમ ''બાળપણથી એટલે કે મારો જન્મ અને ઉછેર સંસ્કારી પરિવારમાં થયો હોવાથી અને વળી, પૂજય ભકત શ્રી જલારામ બાપા (વિરપુર-જિ.રાજકોટ) ની પાંચમી પેઢીમાં-થયો હોવાથી ઘરમાં માત-પિતા-દાદા-દાદી દ્વારા સતત ''રામનામ'' નિયમિત લેવાતું હોવાથી-''રામનામ''ના સંસ્કાર બાળપણથીજ પડયા... અભ્યાસ અને નોકરીના સમયબાદ ''રામનામ'' ધૂનમાં સતત સામેલ રહેતો હોવાથી -જુનાગઢમાં સૌ પ્રથમવાર પૂ. મોરારીબાપુની રામકથા સાંભળી, તેને લીધે મનમાં નિશ્ચય થયો કે રામધૂન નિયમિત રૂપે દરરોજ કરી શકાય તો કેવુંસારૂ ! અને  મેં ઘર-આંગણે જ તેનો પ્રારંભ કરી દીધો...લગભગ ઇ.સ.૧૯પ૦ આસપાસની આ વાત છે.''

હરસુખભાઇ હેમરાજભાઇ ચાંદ્રાણીએ ઉપરોકત વાત કરી તેથી તેમનું કુળગૌરવ અને વંશાવળી અંગેની  વિગતો પણ જાણકારી અર્થે અત્રે વિનમ્રભાવે રજૂ કરૃં છું.

વિશ્વવિખ્યાત ભકત શ્રી જલારામબાપા' ના કુળમાં શ્રી હરસુખભાઇ એચ. ચાંદ્રાણી પાંચમી પેઢીનો સંબંધ નિભાવી રહ્યા છે.

એટલું જ નહી, આ રામધુનનો સંકલ્પ ઇશકૃપાથી છેલ્લા ર૪ વર્ષ પૂર્વે તા. ૧પ-૮-૧૯૯૬ થી ર૪ કલાક 'અખંડ રામધુન' ચાલે છે. તેમાં શ્રી હરસુખભાઇ એચ. ચાંદ્રાણી મંત્રીપદે નમ્ર ભાવે સેવા કરી રહ્યા છે. જામનગર મુકામે એપ્રિલ ૧૯૭૦ થી શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત રામધુન સંકિર્તન અખંડ ર૪ કલાક ચાલે છે, જેની નોંધ 'ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' માં પણ થયેલ છે. બાદમાં પોરબંદર-દ્વારીકા-રાજકોટ-મહુવા પછી શ્રી હરસુખભાઇના સન્નિષ્ઠ પ્રયત્નો બાદ 'જુનાગઢ' ને અખંડ રામનામ સંકિર્તન શ્રી રામધુન મંડળ જુનાગઢની સ્થાપના થયેલ છે.

આજે ''જન કલ્યાણ'' જીવનલક્ષી માસિકપત્રનું ૬૯ મું વર્ષ ચાલે છે અને આ સંસ્થા સારૃં અને 'સાત્વિક સાહિત્ય', અતિ સસ્તા દરે જનસમાજને બિનનફાના ધોરણે પુરૂ પાડી રહી છે. આવા ઉમદા ધ્યેયને વરેલી સંસ્થા- શ્રી પુનિત સેવા ટ્રસ્ટ જન કલ્યાણ માસિકને ઘરે ઘરે પહોંચાડવા ભાઇશ્રી હરસુખભાઇ આ સેવા યજ્ઞમાં માનદ પ્રતિનિધિ તરીકે જોડાયા ત્યારે તેમની ઉમર ર૩ વર્ષની હતી. અને જનકલ્યાણનું વાર્ષિક લવાજમ માત્ર રૂપિયા છ અને પચીસ પૈસા (રૂ. ૬-રપ વા.લ.) હતી. આ વાત ઇ.સ. ૧૯પ૯-૧૯૬૦ની છે. આ સેવા યજ્ઞમાં જોડાયા ને આજે ૬૦ વર્ષ થયા છે અને હરસુખભાઇ ચાંદ્રાણીની ઉંમર ૮૪ (ચોરાસી)વર્ષની થઇ છે ! શ્રી હરસુખભાઇ ચાંદ્રાણી પૂજય શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી રામધૂન મંડળ, જુનાગઢમાં જોડાયા તે ટ્રસ્ટ ડીડ નં. ૧૧૬૭, તા. ૦૧-૯-૧૯૮પ માં પ્રથમ ટ્રસ્ટી અને માનદ મંત્રીના પદે જોડાયાને આજે ૩પ વર્ષ થયા છે. આ અખંડ રામધૂન મંડળની  નામ-ધૂન નો હું આ લખી રહ્યો છું ત્યારે આજે ચૈત્ર શુદી-૧ એકમ બુધવાર તા. રપ-૩-ર૦ર૦ ના રોજ અખંડ રામધુન સંક્રિર્તન મંડળના બોર્ડમાં દિવસ ૮૬ર૩ મો દિવસ લખાયેલો વંચાય છે...!

નિર્દંભી  - નિર્વ્યસની નિઃસ્વાર્થ સેવાભાવી નીરોગી અને નિઃસ્પૃહી, નિરાભિમાની ભાઇશ્રી હરસુખભાઇને જુનાગઢની જનતા કેવળ ચાંદ્રાણીભાઇ તરીકે અને 'જલારામ' ના હુલામણા નામથી ઓળખે છે.

તેમની જીવન કથા અવરને મને જે 'વ્યથા' જણાય તેવી સંઘર્ષ મય કથા જ છે! પાંચ વર્ષની ઉમરે જ માતૃછાયા અને માતૃવાત્સલ્ય ગુમાવી  પરિવારમાં કેવળ પિતા-પુત્ર બે જ વ્યકિત રહ્યા અને આર્થિક સંકડામણમાં જીવન વિતાવતા મોટા થયા! મેટ્રીક પાસ કર્યા પછી પિતાશ્રીના આગ્રહને વશ રહી અનિચ્છાએ લગ્નગ્રંથીથી (૧૯પ૧) જોડાયા ! અને ઇ.સ. ર૦૧૧ માં વિધુર થયાં ! પિતાજીને પણ દમ નો રોગ હતો અને તેમના લગ્ન પછી તુર્ત જ સ્વર્ગે સિધાવ્યા!

ઇશ શ્રધ્ધાના અચલ અખંડ બળથી સાઇકલના સહારે પ્રત્યેક જન-કલ્યાણ અંકના ગ્રાહકોને ઘરે ઘરે નિયમિત -અચૂક અંકો પહોંચાડતા રહેવાની સેવા સાથે સાથે અખંડ રામનામ સંકીર્તન દ્વારા અનેકાનેક સામાજિક સંસ્થાઓના સન્માન સ્વીકારી નમ્ર ભાવે સેવા રત રહી સમાજમાં સ્વમાનભેર પર હિતાર્થ જ કર્મ રત -રહ્યા છે!

લોક-સમુહના જન-કલ્યાણને જ જીવન ધ્યેય માની પોતાની સરકારી ફરજ નિવૃતિ (૧૯૯૪) પછી પણ આ જ પર્યન્ત પ્રવૃતિ તરીકે સ્વપ્રકૃતિથી સ્વીકારી જીવન યાપનના માધૂર્યપૂર્ણ છવ્વીસ વર્ષો વિતાવી  ૮૪ વર્ષની વયે સહૃદયતા અને પ્રસન્નતાથી પર-સેવામાં રચ્યા-પચ્યા રહે છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે તેમની અચળ-અડગ શ્રધ્ધાએ જ તેમને શિખવ્યું હશે કે ' ઐસે હિં બિનુ હરિ ભજન -ખગેસા ા મિટઇ ન જીવન્હ કેર કલેસા ાા'

નરસૈયાની આ નગરીમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે એવા ગિરનારની અડગતાની પ્રતિકૃતિ સમાન આ હસમુખભાઇને ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત કાવ્યકૃતિ 'કોડિયુ' સમાન 'ઘરના ખૂણે બેસી પોતાનાથી બનશે એટલો પ્રકાશ ફેલાવવાની' પ્રતિજ્ઞા -પાલન વૃતિ રૂપ અખંડ રામધૂન સંકીર્તનનો પ્રકાશ જન-જન હૃદય સુધી ફેલાવી રહ્યા છે. આ છે એમના પ્રેરણા -રૂપ જીવનની વૃતિ -પ્રવૃતિ અને નિવૃતિ જે કેવળ એક જ નેમ અને રામનાથ આધારે 'લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવન્તું ।।' અન્યોના જીવનના શ્રેયાર્થે સંસ્કાર અને માનવ જીવનની યથાર્થતા ઉદ્ઘોષિત કરે છે.(૨૧.૩૪)

શ્રી ચાંદ્રાણીભાઇ (મો.નં. ૯૪ર૮૩ ૭૩પપ૪)

-: આલેખન :-

સ્વ. ધીરૂભાઇ એમ. એકલવેણા

(11:30 am IST)