Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પત્નિના ભરણ પોષણના કેસમાં સાવરકુંડલાના વેપારી સામે ૧૭ લાખ ૫૦ હજાર વસુલવા જપ્ત વોરંટ નીકળ્યુ

રાજકોટ, તા.૧૪: પ્રખ્યાત બ્રાન્ડ 'વિરાણી બ્રાન્ડ એગમાર્ક' વાળા સાવરકુંડલાના ચીરાગ હસમુખભાઇ વિરાણી વિરૂધ્ધ રકમ રૂ.૧૭,૫૦,૦૦૦/નું મિલ્કત જપ્તીનું વોરંટ રાજકોટની ફેમીલી કોર્ટ ઇસ્યુ કરેલ હતું.

અત્ર રાજકોટમાં રહેતા હેતલબેન ચિરાગભાઇ વિરાણીએ સાવરકુંડલા મુકામે રહેતા અને 'વિરાણી બ્રાન્ડ એગમાર્ક મસાલા'ના માલીક ચિરાગ હસમુખભાઇ વિરાણી વિરૂધ્ધ પોતાનું તથા સગીર પુત્રી હેલીનું ભરણપોષણ મેળવવા માટગે રાજકોટની ફેમીલી કોર્ટમાં અરજી દાખલ કરેલ હતી.

આ અરજીમાં ફેમીલી કોર્ટે પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીની આવક, ઇન્કમટેક્ષ રીટર્ન તેમજ તેમના નામે આવેલ અન્ય મિલ્કતો ધ્યાને લઇ પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીએ કેસ ચાલતા દરમ્યાન પોતાની આવક ઓછી અને ખોટી બતાવવાનો પ્રયત્ન કરેલ તે હકીકત અને સમગ્ર પુરાવો ધ્યાને લઇ અરજદાર નં.૧ માતાને માસીક રૂ.૨૦,૦૦૦/ તથા અરજદાર નં.૨ સગીર પુત્રીને માસીક રૂ.૧૦,૦૦૦/ મળી કુલ રૂ.૩૦,૦૦૦/ અંકે રૂપિયા ત્રીસ હજાર પુરા અરજીની તારીખથી ભરણપોષણ પેટે માસીક ચુકવી આપવાનો હુકમ કરેલ તેમજ આ અરજીના ખર્ચ પેટે સામાવાળાએ અરજદારને રૂ.૧૦,૦૦૦/ ચુકવવાનો પણ હુકમ કરેલ.

આ હુકમથી નારાજ થઇ પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીએ ગુજરાત હાઇકોર્ટના સીનીયર કાઉન્સીલ રોકી ક્રિમીનલ રીવીઝન એપ્લીકેશન દાખલ કરેલ જે રીવીઝન ચાલી જતા હાઇકોર્ટ વિગતવાર તમામ પુરાવાઓનું મુલ્યાંકન કરેલ અને અરજદાર તરફે પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીની જે આવક રેકર્ડ ઉપર લાવવામાં આવેલ તે સત્ય અને ખરી છે તેવુ માની ફેમીલી કોર્ટ, રાજકોટનો રકમ રૂ.૩૦,૦૦૦/નો હુકમ કાયમી રાખેલ અને પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીની રીવીઝન એપ્લીકેશન સંપુર્ણ ખર્ચ સહીત રદ કરી એરીયર્સ ચડત ભરણપોષણની રકમ હુકમ થયાના આઠ અઠવાડીયામાં ચુકવી દેવી તેવો હુકમ ફરમાવેલ જે હુકમનુ પણ પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીએ પાલન કરેલ નહી અને ગુજરાત હાઇકોર્ટના હુકમનો પણ અનાદર કરેલ જેથી પત્નિ હેતલબેન વિરાણીએ ચડત ભરણપોષણ વસુલ મેળવવા રાજકોટ ફેમીલી કોર્ટમાં વસુલાતની અરજી દાખલ કરેલ છતા પણ પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીએ લોકડાઉન તેમજ હાલ કોરોના કાળમાં ઇરાદાપુર્વક પત્નિ તથા પુત્રીને હેરાન કરવા ચડત ભરણપોષણની રકમ રૂ.૧૭,૫૦,૦૦૦/ ચુકવેલ નહી. આ તમામ હકીકતો તેમજ હાઇકોર્ટના હુકમને ધ્યાને લઇ રાજકોટ ફેમીલી કોર્ટે પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણી વિરૂધ્ધ રકમ રૂ.૧૭,૫૦,૦૦૦/ અંકે રૂપિયા સત્તર લાખ પચાસ હજાર પુરાનું મિલ્કત જપ્તીનું વોરંટ કાઢેલ અને જો મિલ્કત ન મળી આવે તો સામાવાળા પતિને રૂબરૂ પકડીને કોર્ટમાં હાજર કરવો તેવો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર હેતલબેન ચિરાગભાઇ વિરાણી વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી મહેશ ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી ઘનશ્યામ અકબરી તેમજ હર્ષ આર.ધીયા રોકાયેલ હતા.

(12:38 pm IST)