Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ભગવાન હંમેશા ભકતોની રક્ષા અને દુષ્ટોનું દમન કરવા તત્પર હોય છે : પુજય ભાઇશ્રી

પોરબંદર-હરિમંદિરે અધિક-પુરૂષોત્તમ માસની શ્રીમદ ભાગવત કથા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧ ૪: ભગવાન જયારે પ્રગટ થાય છે ત્યારે સતત ભકતોનું ધ્યાન રાખે છે. ભકતોની રક્ષા અને દુષ્ટોનું  દમન કરવા માટે તેઓ હંમેશા તત્પર હોય છે. કેમકે નિર્ગુણ નિરાકારે સજ્જનોનું રક્ષણ અને  દુષ્ટોનો વિનાશ કરવા માટે સગુણ સાકાર અવતાર ધારણ કરવો પડે છે, એમ કથાકાર,  પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મંગળવારે અધિક-પુરુષોત્ત્।મ માસના ૨૬મા દિવસે શ્રીમદ્  ભાગવત કથા-જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીહરિ મંદિર-પોરબંદર ખાતેથી જણાવ્યું હતું.         

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈ એવું કહે કે ભગવાન કોઈ એકનો પક્ષ લે છે, પરંતુ વાસ્તવમાં ભગવાન હંમેશા સત્યની પડખે જ હોય છે. માટે તેઓ કેવળ દૃષ્ટા નથી,  પરંતુ ભકતો માટે કરૂણાવત્સલ પણ છે. ભગવાન પોતાના ભકતની રક્ષા કરવા માટે મોરપીંછ ધારણ કરીને જાણે કહે છે કે ભકતોના યોગક્ષેમની જવાબદારી મારી છે અને તે માટે સતત કાર્યરત્ પણ છું.  

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે પ્રકાશને કારણે આપણે દ્રશ્યો જોઈએ છીએ અને આ દૃશ્યોમાં  ખોવાઈ જઈએ છીએ અને પ્રકાશને ભૂલી જઈએ છીએ, એવું જ પરમાત્મા માટે પણ છે. આપણી  બધી ક્રિયાઓ પરબ્રહ્મની ચેતનાની સતાને આધારિત છે.  

તેમણે જણાવ્યું કે સજ્જનોની પીડાના નિવારણ માટે નિરાકાર બ્રહ્મ સાકારરૂપ ધારણ કરે  છે. આપણે સૂરજ પાસે પ્રકાશ માંગવો પડતો નથી તે આપોઆપ મળે છે. આપણે શ્વાસ લેવા  હવા સતત વહ્યા કરે છે. નિર્મળ જળ વરસતુ રહે છે. ભગવાનની આ બધી કૃપા નિરંતર છે અને  આપણે વિસ્મરણથી તેમની હાજરીનું ભૂલી જઈએ તો પણ તેમની કૃપાદ્રષ્ટિ સતત આપણા ઉપર  હોય છે.

પૂજયભાઈશ્રીએ કથા દરમિયાન જણાવ્યું કે જોકે ભગવાન તો કરુણાનિધાન પણ છે એટલે  આપણા ચર્મચક્ષુથી લાગે કે તેઓ દુષ્ટોનો સંહાર કરે છે, પરંતુ ખરા અર્થમાં ભકતોની રક્ષા અને  દુષ્ટોને તારે છે. માટે જ તેઓ 'તારણહાર' પણ છે. ભગવાન, પરમકૃપાળુ' પણ છે અને  કોઈજાતના ભેદભાવ વગર બધા ઉપર કૃપા કરે છે.

(12:41 pm IST)