Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બાવીસ દિ'ના બાળકને સાસરીયા પક્ષના લોકો લઇ ગયા : જુનાગઢ પોલીસે માતાને પરત કબ્જો અપાવ્યો!

જુનાગઢ,તા.૧૪ : જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં સક્કરબાગ પાસે, રામદેવપરા ખાતે રહેતી મહિલા મહેકબેન સેજાદ મહેબૂબ પઠાણ જેને અમદાવાદ ખાતે પરણાવેલ હોઈ, જે સુવાવડ/ડિલિવરી કરવા માટે જૂનાગઢ પોતાના પિયરમાં આવેલ હતી. આજથી ૨૨ દિવસ પહેલા બાળક અબરારનો જન્મ થયેલ હતો. આ મહિલાને પોતાના સાસરિયા સાથે મનદુઃખ ચાલતા હોઈ, તેનો પતિ સેજાદખાન પઠાણ, સાસુ મુનીબેન અને નણંદ  ફિરોઝાબેન અમદાવાદથી જૂનાગઢ ખાતે આવી, અબરારને બળજબરીથી લઇ ગયેલ હતા. આ અંગેની જાણ મુસ્લિમ મહિલા મહેકબેન દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરીને કરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એસઓજી શાખાના પીઆઇ એચ.આઈ.ભાટી, ટેકિનકલ સેલના પીએસઆઇ જલું તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, વિકાસભાઈ, વિક્રમસિંહ, પો.કો. મોહસીનભાઈ, અનકભાઈ, મહિલા પો.કો. તેજલબેન, સહિતની ટીમ દ્વારા  તપાસ હાથ ધરવામાં આવતા, મહિલાનો પતિ, સાસુ, નણંદ, બાળક અબરારને અમદાવાદ ખાતે એસટી અથવા ટ્રાવેલ્સમાં લઈને જ ગયા હોવાનું અનુમાન કરવામાં આવેલ હતું.  ટેકિનકલ સોર્સ આધારે માહિતી મેળવતા, તેઓ ચોટીલા અને સાયલાની વચ્ચે ડોળિયા બાઉન્ડરી નજીક પહોંચેલ  હોય, સાયલા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ આર.બી.ગોહિલ, હે.કો. મયુરસિંહ, ઇન્દ્રસિંહ સહિતના સ્ટાફને જાણ કરતા અને જૂનાગઢથી આવતી એસટી બસ ચેક કરવા જણાવતા,સાયલા પોલીસની ટીમ દ્વારા જૂનાગઢ રૂટની  એસટી બસ ચેક કરતા, તેમાં બાળક, તેના પિતા, ફૈબા અને દાદીને રોકી લેવામાં આવ્યા  હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. દેવાભાઇ તથા મહિલા પો.કો. તેજલબેન સહિતની જૂનાગઢ પોલીસ ટીમ તાત્કાલિક સાયલા પહોંચી, બાળક અબરારનો કબ્જો મેળવી, જૂનાગઢ પરત આવી,  બાળક અબરારનો કબ્જો તેની માતાને સોંપતા, માત્ર ૨૨ દિવસના માસૂમ બાળક અબરાર પરત મળતા, તેની માતા બાળક અબરારને ભેટી, ભાવ વિભોર થયેલ હતી. મહિલાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યકત  કરવામાં આવેલ હતો.

(12:43 pm IST)