Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ઉનામાં પત્નીની હત્યા કરી લાશ સગેવગે કરી નાખનાર પતિ મહેશની શોધખોળ

બે વર્ષ પુર્વે ગુમ પત્નીનો પતો નહી લાગતા પતિએ હત્યા કર્યાની રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં ફરીયાદ

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૪: ઉનામાં રહેતી ગીતાબેન મહેશભાઇ બાંભણીયા નામની મહિલા બે વર્ષ પહેલા ગુમ થયા બાદ તેમનો પતો નહી લાગતા ગીતાબેનના માતા લીલાબેન મનસુખભાઇ સોલંકીએ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં પોલીસ ફરીયાદ નોંધાવીને ગીતાબેનની હત્યાના આરોપી તરીકે જમાઇ મહેશ ભગવાન  બાંભણીયાનું નામ દર્શાવ્યું છે. સીઆઇડી ક્રાઇમે મહેશ બાંભણીયા સામે હત્યાનો ગુન્હો નોંધીને મહેશે તેની પત્ની ગીતાબેનની હત્યા કરી લાશ સગેવગે કરી નાખી હોય તે અંગે તપાસ હાથ ધરીને ગીતાબેનની લાશ મેળવવા તથા આરોપી મહેશ બાંભણીયાને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

ઉના ગરબી ચોકમાં રહેતા લીલાબેન મનસુખભાઇ સોલંકી (ઉ.વ.પ૬)એ રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે તેના જમાઇ મહેશ ભગવાન બાંભણીયાનું નામ આપ્યું હતું. લીલાબેને ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને ચાર સંતાન છે જે પૈકી મોટી દીકરી ગીતાના લગ્ન આઠ વર્ષ પહેલા મહેશ બાંભણીયા સાથે કોર્ટ મેરેજ થયા હતા. મહેશના પ્રથમ લગ્ન અસ્મિતા સાથે થયા હોય ગીતાબેન ભીમપરામાં અલગ મકાન રાખીને રહેતા હતા. ગીતાબેનને સંતાનમાં ચાર વર્ષની પુત્રી આરાધ્યા છે. જમાઇ મહેશ બાંભણીયાએ ઉનામાં ગીરગઢડા રોડ પર ગોલ્ડન સીટીમાં પ્લોટ લીધો હતો. અને વર્ષ ર૦૧૯માં ત્યાં મકાન બનાવવાનું ચાલુ કર્યુ હતું. નવા બનતા મકાને ગીતાબેન અવાર સ્કુટર લઇને જોવા જતા હતા.

ફરીયાદમાં જણાવેલ કે ગત તા. ૯ ઓકટોબર ર૦૧૯ના મહેશે પત્ની ગીતાબેનને ગોલ્ડન સીટી ખાતેના નવા બનતા મકાને બોલાવ્યા હતા ત્યાર બાદ તે લાપતા થઇ ગયા હતા. લાંબો સમય વિતવા છતા ગીતાબેન પરત નહી આવતા પિયરીયાઓએ તેમની શોધખોળ કરી હતી. પરંતુ તેનો પતો લાગ્યો નહોતો. આ અંગે તેના પતિ મહેશને પુછતા તેણે ગીતાબેન નવા બનતા મકાને આવ્યાની વાત કરી હતી. પરંતુ તે ત્યાંથી રવાના થઇ ગયા બાદ કયા ગયા તે અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. સોલંકી પરીવારે આ અંગે મહેશ બાંભણીયાને અનેક વખત  પૃચ્છા કરી હતી. પરંતુ તે દર વખતે અલગ-અલગ વાતો કરતો હતો. મહેશે જ તેની પત્ની ગીતાબેનની હત્યા કરી લાશને સગેવગે કરી દીધાની શંકા ઉઠતા સોલંકી પરીવાર ઉના પોલીસ સ્ટેશને દોડાદોડ કરતો હતો. પરંતુ પોલીસ તેને જવાબ આપતી નહોતી. અંતે આ અંગે રાજયના પોલીસવડા સુધી રજુઆત થતા અંતે સીઆઇડી ક્રાઇમે આ અંગે મહેશ બાંભણીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સીઆઇડી ક્રાઇમે જણાવ્યું હતું કે મહેશ બાંભણીયા હાથ આવ્યા બાદ ગીતાબેનની લાશ અંગેનો ભેદ ઉકેલાશે. અગાઉ મહેશ સામે બાંભણીયા પુર્વ ધારાસભ્ય  પર ફાયરીંગ કરવાનો ગુનો નોંધાયો હતો. ગીતાબેનની બહેને આક્ષેપ કર્યો છે કે મકાનના વાસ્તામાં બેસવા મુદ્દે માથાકુટ થયા બાદ હત્યા કરી છે.

(11:40 am IST)