Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ફરજિયાત માસ્ક નહિતર દંડ સામે

તળાજામાં પોલીસ, રાજકિય, સામાજિક સંસ્થાઓની સંવેદના

માસ્ક ન હોય તો દંડ ફટકારતી પોલીસે, ધારાસભ્ય સહિતનાએ બજારમાં ફરી ત્રણ હજારથી વધુ લોકોને માસ્ક પહેરાવ્યા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧૪ : કોરોનાની મહામારીથી બચવા માટે સરકારે રાજયમાં માસ્ક ન પહેરે તેને ફરજીયાત હજાર રૂપિયા નો દંડ ફટકારવાના લીધેલા નિર્ણયને લઈ તળાજામાં તહેવારો દરમિયાન માસ્ક ન પહેરનારને દંડ નહિ પણ તેના પ્રત્યે સંવેદના દાખવવા પોલીસ અધિકારીની અપીલને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

તળાજા નાગરીક બેંકના એમ.ડી ઋષિભાઈ પંડ્યા, ચંદ્રેશભાઇ સરવૈયા, મેનેજર નીતિનભાઈ ઉપાધ્યાય તથા જૈન સમાજના નંદીશભાઈ શાહ તરફ થી પોલીસ અધિકારી વિજયસિંહ ગુર્જરને બે હજાર જેટલા માસ્ક ડોનેટ કરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય કનુભાઈ બારૈયા, નગર પાલિકા પ્રમુખ વિનુભાઈ વેગડ, ઉપપ્રમુખ શકિતસિંહ વાળા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ વાળા સહિતની તળાજા કોંગ્રેસ ટીમ દ્વારા ત્રણ હજાર માસ્ક ડોનેટ કરવામાં આવ્યા હતા. જે પોલીસ માસ્ક ન પહેરનારને દંડ અને ફૌજદારી કાર્યવાહી કરતી હતી એ જ પોલીસ દાતાઓ તરફથી મળેલા માસ્કનું બજારમાં ફરી ફરીને વિનામૂલ્યે વિતરણ કરતી જોવા મળતી હતી.

આઈ.પી.એસ વિજયસિંહ ગુર્જર દ્વારા કાયદાની સામે ચલાવવામાં આવેલ માનવીય ઝુંબેશને લઈ ધારાસભ્ય કનુભાઈ બારૈય અને સાથી કોંગ્રેસના કાર્યકરો એ પોલીસની સાથે મળી ફૂટ પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં જે માસ્ક વગર મળે તેને માસ્ક વિતરણ કર્યા હતા. બે દિવસમાં પાંચ હજારથી વધુ માસ્ક પોલીસને ડોનેટ કરવામાં આવ્યા હતા. પોલીસે દાખવેલ સંવેદનાને લઈ તળાજાના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સહકારી સંસ્થાઓ આગળ આવી સંવેદના દાખવી રહી છે.

આજે તળાજાની ભરચક્ક બજારમાં એ માસી એવા શબ્દો વારંવાર સાંભળવા મળતા હતા. જે પોલીસ હાથમાં લાઠી લઈને માસ્કનો દંડ વસુલતી હતી એ પોલીસ કર્મીઓ આજે સંવેદનશીલ બની હતી.મોટી ઉંમરના બહેનોને એ માસી કહી વીનમ્રતા પૂર્વક વિનામૂલ્યે માસ્ક આપી તેને કોરોના સામે સાવચેત રહેવા સમજ આપતી હતી.

(11:27 am IST)