Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગોંડલના નામચીન નીખીલ દોંગાની ઓફિસમાંથી તલવાર સહિતના હથિયારો મળ્યાઃ સાગ્રીતના ઘરેથી રદી ચલણી નોટો મળી

ગુજસીકોટ હેઠળ પકડાયેલ નામચીન નીખીલ દોંગા ગેંગના સાતેય સાગ્રીતોના ઘર-ઓફિસની ઝડતી કરતી પોલીસઃ પકડાયેલ સાતેય સાગ્રીતોનો કોવીડ રીપોર્ટ આવી ગયા બાદ આવતીકાલે કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરાશે

રાજકોટ તા. ૧૪: ગુજસીકોટ હેઠળ પકડાયેલ નામચીન નીખીલ દોંગા ગેંગના સાતેય સાગ્રીતોના ઘર અને ઓફિસની પોલીસે ઝડતી લેતા નીખીલ દોંગાની ઓફિસમાંથી તલવાર સહિતના હથિયારો અને સામગ્રી નરેશ સિંધવના ઘરમાંથી રદી થઇ ગયેલ ૧૦૦૦ અને પ૦૦ની ચલણી નોટો મળી આવતા બંન્ને સામે અલગ ગુન્હો દાખલ કરાયો છે.

પ્રાપ્ય વિગતો મુજબ જેલની અંદર અને જેલની બહાર રહી સંગઠ્ઠીત ગુન્હાઓ આચરતા ગોંડલના નામચીન નીખીલ દોંગા અને તેની ટોળકીના ૧૧ સાગ્રીતો સામે રૂરલ પોલીસે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી નીખીલ દોંગા ગેંગના સાત સાગ્રીતોને દબોચી લીધા હતા. દરમિયાન નીખીલની ગેંગના સાગ્રીત નરેશ રાજુભાઇ સિંધવ રે. ભગવતીપરા પટેલવાડી સોસાયટી શેરી નં. ૪ ગોંડલના ઘરની ગોંડલના પી.એસ.આઇ. ડી. પી. ઝાલા તથા સ્ટાફે તલાસી લેતા જૂની રદી થઇ ગયેલી ૧૦૦૦ ના દરની નોટ નંગ-૪ તથા પ૦૦ના દરની રદી થયેલી ચલણી નોટો નંગ-૩૬ મળી કુલ રર,૦૦૦નો રદ થઇ ગયેલી ચલણી નોટોનો જથ્થો મળી આવતા નરેશ સિંધવ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં વધુ એક ગુન્હો દાખલ કરાયો હતો પકડાયેલ નરેશ સિંધવ વ્યાજ વટાઉનો ધંધો કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તેમજ મુખ્ય સુત્રધાર ગોંડલના નામચીન નીખીલ દોંગાની ઓફિસની પોલીસે ઝડતી કરતા ત્યાંથી તલવાર સહિતના હથિયારો મળી આવતા પોલીસે તે કબજે કરી તેની સામે અલગથી ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું તેમજ અન્ય સાગ્રીતોના ઘર અને ઓફિસની જડતીમાં કંઇ વાંધા જનક ન મળ્યાનું રૂરલ એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું હતું. દરમિયાન પકડાયેલ નીખીલ દોંગા ગેંગના સાતેય સાગ્રીતોનો આજે કોવીડ ટેસ્ટનો રીપોર્ટ આવી ગયા બાદ આવતીકાલે તમામને રીમાન્ડ માટે કોર્ટમાં રજાુ કરાનાર છે.

 

(11:32 am IST)