Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જૂનાગઢના ચોરવાડી ગામે પારડીથી આવેલ જમાઇ - દિકરી પર હૂમલો

દિવાળી કરવા આવ્યા ત્યાં સાસુ - સસરા સહિતના તૂટી પડયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪ : જૂનાગઢના ચોરવાડી ગામે દિવાળી કરવા આવેલ જમાઇ અને દિકરી પર સાસુ - સસરા સહિત પાંચ શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે હાલ રાજકોટના પારડી શાપર - વેરાવળ ખાતે રહેતા રસિક કાળાભાઇ વધેરા (ઉ.વ. ૩૦) નામના યુવાને તેમના જૂનાગઢના બીલખા નજીકના ચોરવાડી ગામના કિરીટ ભીખાભાઇ સોંદરવાની દિકરીને ભગાડી જઇ તેની સાથે લગ્ન કરી લીધેલ. આ અંગે કોર્ટમાં કેસ ચાલુ છે.

દરમિયાન ગઇકાલે રસિકભાઇ અને પત્ને દિવાળી તહેવાર સહિત સબબ ચોરવાડી ગામે આવેલ. આ અંગેની જાણ થતાં સસરા કિરીટભાઇ, સાળો - રોહિત, સાસુ - પ્રભાબેન તેમજ જીતુ ભીખાભાઇ સોંદરવા તેની રાજીબેન બીખાભાઇ આવ્યા હતા.

જેમાં સસરા કિરીટભાઇએ જમાઇ રસિક વધેરા ઉપર ધારીયા વડે તેમજ રોહિત અને જીતુએ લોખંડના પાઇપથી હુમલો કરી માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા કરી હતી.  ઉપરાંત રસિકભાઇની પત્નીને તેની માતા પ્રભાબેન અને રાજીબેને ઢીકાપાટુનો માર માર્યો હતો.

હુમલાના બનાવમાં ઇજા પામેલા દંપતીને સારવાર માટે ખસેડવામાં આવેલ.

બનાવ અંગે બીલખાના પી.એસ.આઇ. એન.કે.માલમે રસિક વધેરાની ફરિયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:21 pm IST)