Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જસદણમાં કુંવરજીભાઇ બાવળિયાએ પોતાની ગાડી રોકી રસ્તા પર જતી મહિલાને સરકારી યોજના અંગે પુછયું

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૫  : મકરસંક્રાંતિના દિવસે જસદણના કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમની ગાડીના કાફલા સાથે જસદણમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર બે વ્યોવૃધ્ધ મહિલાઓને ચાલીને જઇ રહી હતી તે જોઈને મંત્રી બાવળિયાએ પોતાના કાફલાને રોકી બન્ને વૃદ્ઘ મહિલાઓ પાસે જઈ તેમના ઘરની પરિસ્થિતિની પૂછપરછ કરી હતી અને સરકારની કોઈ યોજનાઓનો તેમને લાભ મળે છે કે કેમ તે બાબતે જાણ્યું હતું.

આ બન્ને માતાઓ વિધવા હોવાનું અને જસદણ ના વિંછીયા રોડ પર આવેલ જુના રેલ્વે સ્ટેશન પાસે રહે છે અને વાલ્મીકિ સમાજના છે તેમ જાણવા મળતા જસદણના વહીવટી તંત્રને જાણ કરી યોજનાનો લાભ દેવા કાર્યવાહી કરવા સૂચના આપી હતી. મંત્રી બાવળીયાએ તેમના કાર્યકર્તાઓને પણ કહ્યું કે આ બન્ને માતાઓ સાથે કચેરીમાં જઈ, સરકારની યોજનાઓનો લાભ મળી શકે તે માટે પુરતી મદદ કરવી. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આ કામગીરીથી તેઓ સાચા લોક સેવક સાબિત થયા હતા.

(12:26 pm IST)