Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

કચ્છની જી.કે. જન.અદાણી હોસ્પિ.માં રોજના ૨૦૦૦ કોવિડ સ્વેબનું પરિક્ષણઃ સંખ્યા વધારશે

શરૃઆતથી અત્યાર સુધી ૨૦ મહિનામાં ૩ લાખ ઉપરાંત ટેસ્ટ કરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૧૫ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ની શરૃઆતથી જ કોરોનાએ માથું ઊચકતા અત્રેની માઇક્રોબાયોલોજી વિભાગમાં કાર્યરત મોલેકયુલર લેબમાં રોજના ૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને આગામી દિવસોમાં પરિસ્થિતીની નજરે આ પરિક્ષણની સંખ્યામાં વધારો થવાની પણ શકયતા છે.

માઈક્રોબાયોલોજી વિભાગના હેડ અને પ્રો.ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યુ હતું કે, દૈનિક ધોરણે ૨,૦૦૦ ટેસ્ટ કરવા ૧૦ ટેકિનશિયનો અને ડેટા ઓપરેટર કામગીરી કરી રહ્યા છે.

અત્રે નોંધવું જોઈએ કે, અદાણી મેડિકલ કોલેજમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કચ્છમાં કોરોના દેખાવા લાગ્યું એ સાથે જ ૭મી મે ૨૦૨૦થી આર.ટી.પી.સી.આર. ટેસ્ટનું પરિક્ષણ શરૃ કરવામાં આવ્યું. અને જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં આર.ટી.પી.સી.આરના પરીક્ષણની સંખ્યા ૩ લાખ સુધી પહોંચી ગઈ છે.

દરમિયાન આ વર્ષે કોરોના સાથે ઓમિક્રોન પણ દેખા દેતા પરિક્ષણ કરવામાં આવતા સ્વેબના નમુનાઓ પૈકી કેટલાક કિસ્સાઓમાં રાજય સરકારની ગાઈડલાઇન મુજબ અમુક પરિક્ષણ ઓમિક્રોનની શકયતાની નજરે જીનોમિક સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે.

દરમિયાન અત્રેની મોલીકયુલર લેબમાં રાજય સરકાર દ્વારા કચ્છ જિલ્લાની અંદર જયાં આર.ટી.પી.સી.આર પરીક્ષણ સેન્ટર શરૃ કરવાના હોય તે માટે ટેકનિશિયન અને તબીબને તાલીમ આપવામાં આવે છે. માંડવી માટે શરૃ થનારા સેન્ટરના સ્ટાફને છેલ્લા બે દિવસ દરમિયાન તાલીમ આપવામાં આવી હતી.

(12:07 pm IST)