Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જુનાગઢમાં પોલીસ દ્વારા કફર્યુની અમલવારી

 જુનાગઢઃ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૧૦.૦૦ વાગ્યાથી સવારના કલાક ૬.૦૦ વાગ્યા સુધી જુનાગઢ શહેરમા રાત્રી કરર્ફ્યું રાખવામાં આવેલ હોઈ, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જુનાગઢવાસીઓના સ્વાસ્થ્ય અને સલામતી માટે જૂનાગઢ શહેર ખાતે રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવવા માટે સુચનાઓ આપી, જુનાગઢવાસીઓના જનહિત માટે જહેમત ઉઠાવવાનું શરૃ કરવામાં આવેલ છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ. એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પીઆઇ એન.આઈ.રાઠોડ, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ.ગોહેલ, સી ડિવિઝન પીએસઆઇ જે.જે.ગઢવી, જે.એમ.વાજા, ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા રાત્રીના ૧૦.૦૦ વાગ્યા પછી સામુહિક એક સાથે સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરી, એક સાથે સાત આઠ મોબાઈલ અને મોટર સાયકલ ઉપર સવાર થઈને કરફ્યુનો અમલ કરાવવા કમર કસી છે. ૧૧ રખડતા ઈસમો અને દુકાન ખુલ્લી રાખી,વેપાર કરતા પકડી પાડી, ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉપરાંત શહેર વિસ્તારના મજેવડી ગેઇટ, ગાંધી ચોક, કાળવા ચોક, બીલખા ગેઇટ, સુખનાથ ચોક, દીવાન ચોક, મોતીબાગ, ઝાંસી ના પૂતળા, ઝાંઝરડા ચોકડી, સાબલપુર ચોકડી, મધુરમ ગેઇટ, સહિતના પોઇન્ટ ઉપર પોલીસ પોઇન્ટ ગોઠવી, સદ્યન ચેકીંગ હાથ ધરી, બિન જરૃરી કરફ્યુ ભંગ કરી, ફરતા લોકોને પકડી પાડી, ધરપકડ કરી, ગુન્હાઓ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસની કાર્યવાહીથી જૂનાગઢ શહેરમાં સોપો પડી ગયો હતો અને માણસો પોતાની જાતે સ્વયંભૂ કરફ્યુનું પાલન કરવાની પોતાની ફરજ સમજી ગયા હતા.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(2:01 pm IST)