Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ગોંડલમાં રાજશકિત ટ્રાન્‍સપોર્ટના ડેલામાં ચાલતા બાયોડિઝલના પંપ પર દરોડો

૯૦૦ લીટર બાયોડિઝલ, ફયુઅલ પંપ, ટેન્‍કર સહિત ૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે : ચાર ઝડપાયા

રાજકોટ,તા. ૧૬ : ગોંડલમાં નેશનલ હાઈવે પર આવેલા રાજ શક્‍તિ ટ્રાન્‍સપોર્ટના ડેલામાં ચાલી રહેલા બાયોડીઝલના વેપલા પર સ્‍થાનિક પોલીસે દરોડો પાડી અહીથી ૯૦૦ લીટર બાયોડીઝલ ફ્‌યુઅલ પંપ અને ટેન્‍કર સહિત છ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ પોલીસે દરોડા દરમિયાન ચાર શખસોને અહીંથી ઝડપી લીધા હતા અને તેમની સામે આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ, ગોંડલ સીટી પોલીસ મથકના પી.આઈ એમ.આર. સંગાડાની રાહબરી હેઠળ સ્‍ટાફે નેશનલ હાઈવે પર ટીવીએસના શોરૂમ સામે આવેલા રાજ શક્‍તિ ટ્રાન્‍સપોર્ટના ડેલામાં દરોડો પાડ્‍યો હતો પોલીસે અહીં તપાસ કરતા ટેન્‍કરમાં ફ્‌યુઅલ પંપ ઉભો કરી ટાંકો રાખી કોઈપણ આધાર પુરાવા કે સત્તાધીશ અધિકારીનું લાયસન્‍સ કે એક્‍સપ્‍લોઝિવ પેટ્રોલિયમને લગતુ લાયસન્‍સ મેળવ્‍યા વગર ફાયર સેફ્‌ટીના સાધનો રાખ્‍યા વિના માનવ જિંદગી જોખમાય તે રીતે ફ્‌યુઅલ સ્‍ટેશન ઉભુ કરી બાયોડીઝલનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું માલુમ પડ્‍યું હતું.
પોલીસે દરોડા દરમિયાન અહીંથી રેનીશ ભરતભાઈ પરવાડીયા (ઉ.વ ૩૨ રહે. સરદાર રેસીડેન્‍સી ગોંડલ), અનિલ નરોત્તમભાઈ પાડલીયા (ઉ.વ ૪૯ જીવરાજ પાર્ક ગોંડલ), સંજય નરોત્તમભાઈ પાડલીયા (ઉ.વ ૪૨ ડેકોરા સીટી ગુંદાળા) અને દિલીપસિંહ નરેન્‍દ્રસિંહ ઝાલા(ઉ.વ ૪૭ રહે. હાઉસિંગ બોર્ડ ક્‍વાર્ટર ગોંડલ) ને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન અહીંથી ૯૦૦ લીટર બાયો ડીઝલ ટેન્‍કર ઈલેક્‍ટ્રીક ફ્‌યુઅલ પંપ સહિત રૂપિયા છ લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે આઈપીસીની કલમ ૨૭૮, ૨૮૫ તથા આવશ્‍યક ચીજવસ્‍તુ ધારા અધિનિયમ કલમ  મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(2:08 pm IST)