Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

હળવદના અજીતગઢના પત્‍નીના મોત બાદ પતિનો પણ મૃતદેહ મળતા આહિર પરિવારમાં અરેરાટી

૧૦ મહિના પહેલા લગ્નગ્રંથીથી જોડાયા'તાઃ સગાઇમા જતી વખતે કાર કેનાલમાં ખાબકતા દુર્ઘટના

હળવદ, તા. ૧૫ :. તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (આહીર) (ઉ.વ. ૨૨) અને તેમના ધર્મપત્‍ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે સવારના અજીતગઢ ગામેથી સ્‍વીફટ કારમાં માળીયાના મેઘપર ગામે સગાઈના પ્રસંગમાં જવા નિકળ્‍યા હતા.
જૂના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની સ્‍વીફટ કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો હાલ કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે. જો કે હાલમાં મિતલબેનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્‍યો છે જ્‍યારે રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્‍પાંત છવાઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક માસ પહેલા જ થયા હતા અને આજે સપરમાં દિવસો શરૂ થતા સગાઈમાં જતી વખતે જ આ કરૂણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્‍યુ છે.
વધુમાં બનાવની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્‍ય ધર્મેન્‍દ્રભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહીર સહિત મોટી સંખ્‍યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્‍યા હતા. ઘટનાની જાણ થતા માળીયા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયા હતા.

 

(4:40 pm IST)