Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગોંડલમાં તોડ કરતા પકડાયેલા બોગસ પત્રકાર ત્રિપુટીએ અનેક તોડ કર્યાની શંકા

કોરોના ટેસ્‍ટ બાદ રિમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરાશે

તસ્‍વીરમાં ઝડપાયેલ ત્રણેય બોગસ પત્રકારો અને પોલીસ ટીમ નરજે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભાોજાણી -ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૫: ગોંડલમાં તોડ કરતા ઝડપાયેલ બોગસ પત્રકારો પીયુષભાઇ કાંતીભાઇ રાઠોડ રહે- શાપર વેરાવળ તથા કોટડાસાંગાણી, સુફીયાન મહેબુબભાઇ સવાણ રહે -ગોંડલ મોટી બજાર તા. ગોંડલ. જી. રાજકોટ, અસમભાઇ સલીમભાઇ શાહ રહે-ગોંડલ ભગવતપરાએ અનેક તોડ કર્યાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલ ત્રણેય શખ્‍સોના કોરોના ટેસ્‍ટ બાદ રિમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ અત્રેની ફૂલવાડી ચોકમાં આવેલ આસ્‍થા ક્‍લિનિક ના તબીબ રિદ્ધિબેન અર્પિતભાઈ રાદડિયા ઉ.વ. ૨૬ એ ક્રાઈમ પડકાર ન્‍યુઝના પત્રકાર પિયુષ કાંતિભાઈ રાઠોડ રહે શાપર, સતોપદેશ ન્‍યુઝ ના સૂફીયાન મહેબૂબભાઈ સવાણ રહે મોટી બજાર ગોંડલ અને અસલમ સલીમભાઈ શાહ રહે ભગવતપરા વિરુદ્ધ બળ જબરી પૂર્વક નાણાં પડાવવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૮૪, ૪૫૨, ૫૦૬ તેમજ ૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસનીશ પીએસઆઇ ડી પી ઝાલા એ જણાવ્‍યું હતું કે ઉપરોક્‍ત આરોપીઓ મહિલા તબીબ પાસે તોડ કરવાના ઇરાદે પહોંચ્‍યા હતા. મહિલા તબીબ કઈ સમજે તે પહેલાં જ આ ક્‍લિનિક બોગસ છે, તબીબ પાસે કોઈ ડીગ્રી નથી તેવું કહી બોગસ પત્રકારોએ કેમેરા - માઇક કાઢી શુટિંગ શરૂ કરી મહિલા ને મૂંઝવણ માં મૂકી દઈ રૂ. ૨૫૦૦૦ ની માંગ કરી હતી. દરમ્‍યાન મહિલા તબીબે પોલીસ ને જાણ કરતા પ્રથમ ક્રાઈમ બ્રાન્‍ચ ના પીઆઇ એ આર ગોહિલ, સીટી પીઆઇ એસએમ જાડેજા ટીમ સાથે સ્‍થળ ઉપર પહોંચ્‍યા હતા અને બોગસ પ્રકારોને પોલીસને લઈ મથકે લઈ જઈ પુછપરછ હાથ ધરી હતી.

ઉપરોક્‍ત બોગસ પત્રકારો ધોરણ ૧૦ નાપાસ છે અને ત્રણે પાસેના આઇડેન્‍ટિ કાર્ડ ગવર્નમેન્‍ટ ઓફ ઇન્‍ડિયા લખેલા હોય પોલીસે કબ્‍જે લઈ તપાસ હાથ ધરી છે આ તકે પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે ઉપરોક્‍ત તોડતાડ ગેંગ આ પહેલા રાજકોટ ના એક તબીબ નો રૂ. દોઢ લાખનો તોડ કરી ચુકી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર આ બોગસ પત્રકારોએ અનેક જગ્‍યા એ પત્રકાર તરીકે ધમકીઓ આપી તોડ કર્યા છે પીએસઆઇ ડી પી ઝાલા એ જણાવ્‍યું હતું કે આ તોડ બાઝ ગેંગ માં વધુ શખ્‍સો સામેલ હોવાની શક્‍યતા છે.

 

(11:38 am IST)