Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોરબીના લાલપર પાસે પેપરમીલના બોઇલરની ધગધગતી રાખમાં પડતાં ૪ વર્ષના દર્શનનું મોત

રાજકોટમાં દમ તોડ્યોઃ બચાવવા જતાં મોટાબાપુ પ્રવિણનાથ પણ દાઝતાં મોરબી સારવાર હેઠળઃ મુળ સાવરકુંડલા વિજપડીના પરિવારમાં ગમગીનીબહાર કામ કરતાં મોટાબાપુને જોઇ ટેણીયાએ તેની પાસે જવા દોટ મુકી ને રાખના ઢગલામાં પડ્યો

રાજકોટ તા.૧૫: મોરબીના જોધપર પાસે લાલપર ગામમાં આવેલી ગોલ્ડન પેપરમીલમાં મજૂરી કરતાં અને નજીકમાં ઝૂપડા બાંધીને રહેતાં મુળ સાવરકુંડલાના વિજપડીના મજૂર પરિવારનો ૪ વર્ષનો દિકરો બહાર કામ કરી રહેલા મોટાબાપુને જોઇ તેની પાસે જવા દોડતાં વચ્ચે બોઇલરની ધગધગતી રાખનો ઢગલો પડ્યો હોઇ ભુલથી ત્યાંથી ચાલવા જતાં અંદર પડી જતાં દાઝી જતાં મોત નિપજ્યું છે. મોટાબાપુ પણ તેને બચાવવાના પ્રયાસમાં દાઝી જતાં સારવાર હેઠળ છે.

જાણવા મળ્યા મુજબ વિજપડીના યોગેશભાઇ રોહીંગનાથ માંગરોલીયા તથા તેના ભાઇ પ્રવિણનાથ રોહીંગનાથ માંગરોળીયા તથા પરિવારજનો મોરબી જોધપર વચ્ચે લાલપરમાં પેપરમીલમાં કામ કરી નજીકમાં ઝૂપડા વાળીને રહે છે. ગઇકાલે સાંજે પ્રવિણનાથ મીલની બહાર કામ કરતાં હતાં ત્યારે તેને જોઇને તેના નાના ભાઇ યોગેશભાઇનો દિકરો દર્શન (ઉ.વ.૪) તેની પાસે જવા દોડ્યો હતો.

એ વખતે વચ્ચે પેપરમીલના બોઇલરમાંથી ધગધગતી રાખ કાઢીને બહારના ભાગે ઢગલો કર્યો હોઇ દર્શન ભુલથી તેમાં જતો રહેતાં અને પડી જતાં દાઝી જયો હતો.

દેકારો સાંભળી મોટાબાપુ પ્રવિણનાથ બચાવવા દોડતાં તે પણ દાઝી ગયા હતાં. બંનેને મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. વધુ સારવાર માટે દર્શનને રાજકોટ સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃતક બે ભાઇથી નાનો હતો. લાડકવાયાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:59 am IST)