Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાણવડના લેન્ડ ગ્રેબીંગના કેસમાં એડવોકેટ મીનાબેન નાણાવટી જેલહવાલે

વારીયા બાલમંદિર ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવાના ઇરાદે ટ્રસ્ટીઓએ કરેલી ફરીયાદ બાદ : હજુ બે આરોપી મોવાણનો સાજણ ગઢવી અને અમદાવાદનો નિલેશ ફરાર

( કૌશલ સવજાણી) ખંભાળીયા, તા., ૧પઃ ભાણવડના વારીયા બાલ મંદિરના ટ્રસ્ટની કરોડોની કિંમતી જગ્યા આશાદીપ એજયુકેશન ટ્રસ્ટને ત્યાં આવેલા રહેણાંક બ્લોક સિવાયની ૧૦ વર્ષ માટે સહયોગ હેતુપુર્તીના કરારથી શૈક્ષણીક પ્રવૃતિઓ ચલાવવા માટે આપેલ હતી. આ ટ્રસ્ટના જેનો કરાર ૧-૬-ર૦૧૦ થી ૩૧-પ-ર૦ર૦ સુધીનો હતો જે પુરો થઇ ગયો હોવા છતાં આ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે આરતી દિપકભાઇ પંડીત હોય અને તેમને તેમના વકીલ મારફત જગ્યા છોડવા માટે પૈસાની માંગણી કરી હતી. અથવા તેમાંથી ર૦ હજાર ચો.ફુટ જગ્યા આપવાનું ટ્રસ્ટીઓને જણાવેલ હતું અને તેમના મળતીયાઓ મારફત ધાક-ધમકીઓ પણ આપી હતી. છેવટે જગ્યા પચાવી પાડવા માટે આરતી પંડીતની કારી ન ફાવતા તા.૧૦-૧૧-ર૦ર૦ના તેમના વકીલ મારફત જગ્યાનો કરાર હજુ ચાલુ છે તેવી તકરાર લઇ આ ટ્રસ્ટની જયા પર કબ્જો મેળવવા પ્રયત્ન કરવામાં આવેલ હતો.

આથી આ અંગે વારીયા બાલમંદિર ટ્રસ્ટના પ્રમુખ બળદેવભાઇ મસરીભાઇ વારોતરીયાએ ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવાનો ઇરાદો આરતી પંડીતનો હોય તેવુ લાગતા તેમણે નવા લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને અરજી કરી હતી. જે અનુસંધાને ડો.નરેન્દ્રકુમાર મીનાએ પોલીસને ગુનો નોંધવા આદેશ કરતા ખંભાળીયા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસે વારીયા બાલમંદિર ટ્રસ્ટના પ્રમુખ બળદેવભાઇ મસરીભાઇ વારોતરીયાની ફરીયાદ પરથી આરતીબેન દિપકભાઇ પંડીત રહે. મુળ ભાણવડ હાલ રાજકોટ તેમની બહેન કૃપા ભાવીન જાની રહે. મુળ ભાણવડ હાલ રાજકોટ, સાજણ ગઢવી રહે. મોવાણ, તા. ખંભાળીયા, રામભાઇ ગઢવી, રહે. ભોગાત, તા.કલ્યાણપુર હાલ ભાટીયા તથા નિલેશ મેર રહે. અમદાવાદ વાળા વિરૂધ્ધ આઇપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦ બી, પ૦૪, પ૦૬ તથા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ર૦ર૦ની કલમ ૩,૪ (૧), ૪(ર), ૪(૩), પ (સી) તથા પ (ઇ) મુજબ ગુનો નોંધી બંન્નેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

જે પછી જામીન પર છુટકારો થયો હતો. આ ઉપરાંત ગુનામાં અન્ય આરોપી તરીકે જેમનું નામ છે તે રામભાઇ ગઢવી અન્ય એક ગુનામાં જેલમાં હોય આથી પોલીસે જેલમાંથી કબ્જો મેળવી તેમની પુછપરછ હાથ ધરી હતી અને આ ગુનામાં જે બે શખ્સો ફરાર છે તે પૈકીના સાજણ ગઢવીએ આગોતરા જામીન અરજી કોર્ટમાં કરતા કોર્ટે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તેમની જામીન અરજી રદ કરી હતી.

તપાસમાં આ કેસના મુખ્ય સુત્રધાર આરતી દિપકભાઇ પંડીતના વકીલ એવા મીનાબેન નાણાવટીની પણ ભુમીકાઓ હોવાથી ગઇકાલે ડીવાયએસપીના આદેશથી ભાણવડ પીએસઆઇ જે.જી.સોલંકી, લેન્ડ ગ્રેબીંગ સ્કોડની સ્પે.ટીમના એએસઆઇ શકિતસિંહ જાડેજા, હેડ કોન્સ. હરદાસભાઇ ચાવડા તથા ખંભાળીયા પોલીસ મથકના મહિલા પીએસઆઇ એમ.જે.સાગઠીયા સહીતના મહીલા પોલીસ સ્ટાફે એડવોકેટ મીનાબેન નાણાવટીની તેમના ઘરેથી જ ધરપકડ કરી ખંભાળીયા ખાતે સ્પે. કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જામનગર જીલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. મહિલા એડવોકેટ મીનાબેન નાણાવટીની ધરપકડથી સમગ્ર ભાણવડ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

જો કે આ કેસમાં હજુ પણ બે આરોપી મોવાણનો સાજણ ગઢવી અને અમદાવાદનો નિલેશ પોલીસ પકડથી દુર છે તેને શોધવા પોલીસે ચક્રો ગતીમાન તેજ કર્યા છે.

(12:50 pm IST)