Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોરબીમાં ચૂંટણીના ફોર્મ ચકાસણી વખતે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

પોલીસે બન્ને જુથના લોકોને છુટા પાડયા

મોરબી, તા. ૧પ : ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામ્યો છે. આજે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે. મોરબીમાં પણ ફોર્મ ચકાસણીના કાર્યવાહી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા સેવાસદન ખાતે ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે. આ સમયે વોર્ડ નંબર એકના કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

જેમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના આગેવાન કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જો કે મામલો વધુ બિચકે તે પહોલા ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ બન્ને જૂથના લોકોને છૂટા પાડ્યા હતા. 

આ ઘટનાને લઈને મોરબીમાં રાજકારણ ગરમાયું છે. આજે સાંજ સુધીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પુરી થયા બાદ કેટલા ફોર્મ કેન્સલ થશે અને કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે એ ચિત્ર સ્પષ્ટ થયા બાદ કેવી સ્થિતિ સર્જાશે? તે તો આવનારો સમય જ બતાવશે.

(4:12 pm IST)