Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જામનગરમાં તમામ હોસ્પિટલો હાઉસફુલ : પાંચ દિવસ સુધી જીજી હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ શકે તેમ નથી : જિલ્લા કલેકટર રવિશંકર

જીજી હોસ્પિટલમાં ૧૪૫૦ બેડ ફૂલ : અન્ય ૭ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ જગ્યા નથી : મોરબી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો અવિરત ધસારો

(મુકુંદ બદિયાણી) જામનગર તા. ૧૫ : જામનગરમાં આવેલ તમામ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે આવનાર ૫ દિવસ સુધી ગુરૂગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં કોઈ જ વ્યવસ્થા થઈ શકે તેમ નથી તેવું જિલ્લા કલેકટર રવિશંકરે સત્તાવાર કહ્યું છે. જી.જી.હોસ્પિટલમાં ૧૪૫૦ બેડ તો ફૂલ છે. આ ઉપરાંત જામનગરની અન્ય ૭ જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ જગ્યા નથી.

જામનગરમાં મોરબી, રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓનો અવિરત ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે જી.જી.હોસ્પિટલ બહાર પણ એમ્બ્યુલન્સ અને ૧૦૮ સહિતના દર્દીઓને લઈને આવેલ વાહનોની કતારો લાગી છે. ત્યારે જામનગરની ૧૦૦ બેડની વ્યવસ્થા ધરાવતા સ્વામિનારાયણ ગુરૂકુળ સ્થિત કોવિડ હોસ્પિટલમાં પણ તમામ બેડ ફૂલ છે. ઓકિસજન, વેન્ટિલેટર ઉપરાંત બાયપેપ સહિત તમામ વ્યવસ્થા પણ અધૂરી પડી રહી છે. દર્દીઓનો ભારે ઘસારો થતા જામનગરમાં હવે બધું જ ભગવાન ભરોસે હોય તેવી કપરી સ્થિતિ નિર્માણ પામી છે.

સ્વામિનારાયણ ગુરૂકુળમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ સાથે વાતચીત કરતા તેઓએ ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી અવિરત દર્દીઓનો પ્રવાહ આવી રહ્યો છે. અને મોટા ભાગના ઓકિસજન જોઈએ તે પ્રકારના કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. જેને લઈને ખૂબ કપરી પરિસ્થિતિ થઈ છે. હાલ હોસ્પિટલમાં સતત વેન્ટિલેટર ઉપરના દર્દીઓ અને ઓકિસજન આપવામાં આવી રહેલા દર્દીઓની ખૂબ સારસંભાળમાં ખડેપગે રહેવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલના સંચાલક મહેશભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી દર્દીઓને સારવાર માટે દાખલ કરવા ભલામણોના ફોન પણ આવી રહ્યા છે. પરંતુ અમારી પાસે જગ્યાઓ ખાલી ન હોવાથી અમે પણ કાઈ કરી શકીએ તેમ નથી. ખુબજ સિરિયસ દર્દીઓ આવી રહ્યા છે.

જામનગરમાં જી.જી. હોસ્પિટલ ઉપરાંત બધી ખાનગી હોસ્પિટલમાં પણ જગ્યા નથી. જેથી લોકો કોઈપણ સંજોગોમાં દાખલ થવા આગ્રહ કરી રહ્યા છે. ત્યારે અમે અમારાથી બનતા પ્રયત્નો કરી લોકોને સારવાર મળે તે માટે ચિંતા કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા હવે પરિસ્થિતિ આઉટ ઓફ કન્ટ્રોલ હોય તેવી લાગી રહી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:26 am IST)