Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કચ્છમાં સસલાનો શિકાર કરી, દારૂની મહેફીલ સાથે મિજબાની માણતી શિકારી ટોળકી ઝડપાઇ

ગેરકાયદે બંદૂક રાખી નિર્દોષ પશુ-પક્ષીઓના શિકારની વધતી જતી પ્રવૃત્તિ ઉપર અંકુશ આણવા કડક કાયદાની જરૂર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : ભચાઉના શિવલખા નજીકના ઢેટુડા ગામની સિમમાં દારૂની હેરફેરની બાતમીએ ગયેલી લાકડીયા પોલિસને મોટી સફળતા મળી છે. અને દારૂની મહેફીલ સાથે વન્યજીવનો શિકાર કરી મીજબાની માણનાર ૮ શખ્સો પોલિસના હાથે ઝડપાઇ ગયા હતા.

લાકડીયા પોલિસને મળેલી બાતમીના આધારે પોલિસે રમેશ પુંજા કોલીની વાડીએ દરોડો પાડ્યો હતો જે દરમ્યાન દેશી બંધુક ૧૪ જીવતા કારતુસ અને ૬ ફુટેલા કારતુસ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. તો પોલિસની તપાસમાં ૩ સસલાનો શિકાર થયો હોવાનુ પણ સામે આવ્યુ હતું. વાડીએથી પોલિસે દોઢ કિલો માસનો જથ્થો પણ કબ્જે કર્યો હતો . છરી-ધારીયા તલવાર સહિતના ધાતક હથિયારો પણ ઝડપાયેલા શખ્સોના કબ્જામાથી મળી આવ્યા છે. જેથી વન્યજીવ અધિનીયમ તથા દારૂની મહેફીલનો અલગ કેસ કરી લાકડીયા પોલિસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલિસે (૧) રાહુલ દાનાભાઇ વાણીયા, રહે.ચંડીનગર,લાકડીયા, (૨)દિનેશ ખીમજી વાણીયા રહે.ચંડીનગર લાકડીયા (૩)પ્રેમજી બાબુ કોલી રહે લખમસરી લાકડીયા (૪)રાહુલ હરિ કોલી રહે. શીવલખા (૫)રમેશ પુંજા કોલી રહે શીવલખા(૬) કાનજી પુંજા કોલી રહે લાકડીયા (૭)મનજી બાબુ કોલી રહે લાકડીયા (૮)નાનજી મેરામણ વાણીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલિસે વિવિધ હથિયારો વાહન સહિત કુલ ૧૦.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઇન્ચાર્જ પી.આઇ વી.એલ પરમાર તથા લાકડીયા પોલિસના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. અને શિકારી પ્રવૃતિ થઇ હોય આ અંગે વનવિભાગને પણ જાણ કરાઇ છે. ઝડપાયેલા આ ૮ શખ્સો શિકાર કરી વાડીએ મીજબાની સાથે દારૂની મહેફીલ માણતા હતા.

(11:01 am IST)