Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ટંકારા તાલુકાના નેસડાસુરજી ગામે યમરાજનો પડાવ, એક અઠવાડિયામાં આઠ મૃત્યુ, ગંભીર પરિસ્થિતિ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૧૫ : ટંકારા તાલુકાના નેસડાસુરજી ગામે યમરાજનો પડાવ હોય તેમ એક અઠવાડિયામાં આઠ મૃત્યુ થયેલ છે.

 નેસડાસુરાજીની ભયાનક પરિસ્થિતિ છે. છેલ્લા એક અઠવાડિયા માં ગંભીર હાલત થઈ છે. ઘરે ઘરે માંદગીના કેસો છે. નેસડાસુરજીના લોકો આવી ગંભીર હાલતમાં સારવારની લાચારી વચ્ચે દર્દીઓ તથા તેમના પરિવારના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

નેસડા સુરજીના અગ્રણી ધીરુભાઈ ભીમાણીના ભાઈ સહિત એક અઠવાડિયામાં આઠના મૃત્યુ થયેલ છે. તેમ અરવિંદભાઈ રાજકોટિયાએ જણાવેલ છે.

નેસડાસુરજીમાં આરોગ્યને લગતી કોઈ સુવિધા નથી. તા.૧૪/૪/૨૦૨૧ બુધવારના રોજ એક દિવસમાં બે વ્યકિતનાં મૃત્યુ થયેલ છે.

૨૦૦૦ની વસ્તી ધરાવતા ગામમાં વર્ષે આઠ દસ મૃત્યુ થતા હોય છે. તેટલા મૃત્યુ એક અઠવાડિયામાં થયેલ છે.

 દર્દીઓ સારવાર માટે સરકારી તથા ખાનગી દવાખાનાઓમાં દોડે છે. ત્યાં પણ લાંબી લાઈનો હોય છે.

કોરોનાના રેપિડ એન્ટીજન્સી ટેસ્ટ થતા હતા તે સારુ હતું. દર્દીઓને તાત્કાલિક જાણ થતી હતી.આર ટી પી સી આર ટેસ્ટ માં ચોવીસ કલાક બાદ રિપોર્ટ ની જાણ થાય છે. પોઝિટિવ હોયતો મોબાઈલ નંબર પર મેસેજ આવે છે. નેસડાસુરજી ના ૮ તારિખ પછી ના એક પણ ટેસ્ટ પોઝિટિવ આવેલ નથી, મોબાઈલ માં મેસેજ આવેલ નથી.

 કોરોના નથી તો લોકોના મૃત્યુ શા કારણે થાય છે તે લોકોને સમજાતું નથી. લોકો આંશિક લોક ડાઉન રાખે છે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે છે.

સરપંચ મહેશભાઈ વિરમગામા એ આખા ગામને સેનેટ્રાઇઝ કરવા, દવા છંટકાવ કરવા, આરોગ્યની ટીમો મોકલી ઘરે ઘરે દર્દીઓની સારવાર કરવાની માંગણી કરેલ છે, જિલ્લા કલેકટર તાકીદે નેસડાસૂરજીની મુલાકાત કરે અને તાત્કાલિક સારવારના પગલા લ્યે તેવી ગ્રામજનોની માંગણી છે.

(11:34 am IST)