Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

તંત્ર નિઃસહાય : જામનગરમાં અંતિમ સંસ્કાર માટે ખાનગી વાહનોનો ઉપયોગ

જામનગર શહેરમાં ૧૮૦૦થી વધુ બેડ, તમામ હાઉસફુલ : ગતરાત્રે ત્રણ હોસ્પિટલોને મંજૂરી મળી તે પણ આજે ફૂલ : શબવાહિનીઓમાં લાંબો સમય લાગતો હોય કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના સગા વ્હાલાઓ પીપીઈ કીટ પહેરીને જાતે જ ખાનગી વાહનોમાં અંતિમ ક્રિયા માટે લઈ જાય છે : બે થી ત્રણ સ્થળોએ નવા બેડની વ્યવસ્થા

જામનગરમાં કોરોના થી દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે હવે તો ખાનગી વાહનમાં મૃતકના પરિવારજનો પી.પી.ઇ. કીટ સાથે અંતિમસંસ્કાર માટે ખાનગી વાહનમાં જવા મજબૂર બન્યા છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર, તા. ૧૫ : કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજયભરમાં બેડ હાઉસફુલ થઈ ગયા છે. જો કે તંત્ર દ્વારા તાબડતોબ વિવિધ સ્થળોએ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. નવા કેસો બેફામ વધી રહ્યા છે તો મૃત્યુઆંક પણ બિહામણું સ્વરૂપ લઈ રહ્યુ છે. દરમિયાન જામનગર શહેરમાં પણ પરિસ્થિતિ ગંભીર બની છે. શબવાહિનીઓમાં મૃતકોની લાશની અંતિમક્રિયા માટે લાંબો સમય લાગતો હોય કોરોનાના મૃતક દર્દીના વાલીવારસ પીપીઈ કીટ પહેરીને ખાનગી વાહનોમાં સ્મશાન સુધી લઈ જઈ રહ્યા છે.

જામનગર શહેરમાં હોસ્પિટલોમાં ૧૮૦૦થી વધુ બેડ છે, આ તમામ હાઉસફુલ થઈ ગયા છે. હજુ ગત રાત્રે જ નવી ત્રણ હોસ્પિટલોમાં બેડની સુવિધા સાથેની મંજૂરી મળી તો આજ સવાર સુધીમાં તો તે પણ ફુલ થઈ ગયા છે. ગુલાબકુંવરબા આયુર્વેદીક હોસ્પિટલ અને ડેન્ટલ કોલેજમાં નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જામનગરમાં માત્ર શહેરના જ નહિં પરંતુ રાજકોટ, મોરબી, જૂનાગઢ અને અમરેલીના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે.

જી.જી.હોસ્પિટલ બહાર પણ એમ્બ્યુલન્સ અને ૧૦૮ સહિતના દર્દીઓને લઈને આવેલ વાહનોની લાંબી - લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે જામનગરની ૧૦૦ બેડની વ્યવસ્થા ધરાવતા સ્વામિનારાયણ ગુરુકુળ સ્થિત કોવિડ હોસ્પિટલમાં પણ તમામ બેડ ફૂલ છે.  ઓકિસજન, વેન્ટિલેટર ઉપરાંત બાયપેપ સહિત તમામ વ્યવસ્થા પણ અધૂરી પડી રહી છે. દર્દીઓનો ભારે ઘસારો થતા જામનગરમાં હવે બધું જ ભગવાન ભરોસે હોય તેવી કપરી સ્થિતિ નિર્માણ પામી છે.  છેલ્લા એક અઠવાડિયાથી અવિરત દર્દીઓનો જોરદાર પ્રવાહ આવી રહ્યો છે. અને મોટા ભાગના ઓકિસજન જોઈએ તે પ્રકારના કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે. જેને લઈને ખૂબ કપરી પરિસ્થિતિ થઈ છે. હાલ હોસ્પિટલમાં સતત વેન્ટિલેટર ઉપરના દર્દીઓ અને ઓકિસજન આપવામાં આવી રહેલા દર્દીઓની ખૂબ સારસંભાળમાં ખડેપગે રહેવું પડી રહ્યું છે. પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર, અહેવાલ - મુકુંદ બદીયાણી)

તમામ હોસ્પિટલો ફૂલ

(૧) ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ- ૧૪૫૦

(૨) સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલ- ૧૦૦

(૩) સમર્પણ કોવિડ હોસ્પિટલ- ૯૦

(૪) શ્રધ્ધા હોસ્પિટલ- ૭૦

(૫) ગોકુલ ન્યુટેક- ૩૦

(૬) સ્પંદન હોસ્પિટલ- ૨૨

(૭) સમા હોસ્પિટલ- ૨૦

(૮) ક્રિટીસર્જ હોસ્પિટલ- ૧૮

(૯) JCC હોસ્પિટલ- ૩૦

(૧૦) ડો.નીરજ ભટ્ટની હોસ્પિટલ- ૭

૨૦ જેટલા ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર બાયપેપ પણ ફૂલ

૫૦ જેટલા ખાનગી હોસ્પિટલમાં પણ ICU બેડ ફૂલ છે.

(4:05 pm IST)