Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ નીચો આવ્યો, કેસ અને મોતમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો

૨૪ કલાકમાં ૪૯૭ કેસઃ ૬ કોવીડ દર્દીના મૃત્યુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. જૂનાગઢ જિલ્લામાં આશ્ચર્યજનક રીતે કોરોનાનો ગ્રાફ નીચો આવતા કેસ અને મોતમાં ઘટાડો થતા અને રિકવરી રેટ વધતા તંત્રએ રાહત અનુભવી છે.

જિલ્લામાં ગુરૂવારે કોરોનાનો ડેઈલી કેસનો આંક વધીને ૫૭૨ આવતાની સાથે ૬૦૦ની નજીક પહોંચી ગયો હતો પરંતુ શુક્રવારે જિલ્લામાં ૨૪ કલાક દરમ્યાન ૪૯૭ કેસ નોંધાયા હતા. આમ એક જ દિવસમાં ૭૫ કેસનો ઘટાડો જોવાયો હતો.

જ્યારે જૂનાગઢ શહેરમાં ગઈકાલે નવા ૨૪૪ કેસ નોંધાયા હતા. ગુરૂવારના ૩૨૩ કેસની સરખામણીએ સીટીમાં ૨૪ કલાકમાં ૭૯ કેસનો ઘટાડો નોંધાયો હતો.

આ પ્રમાણે કોરોના કેસનો ગ્રાફ નીચે આવવાની સાથે સદનસીબે મૃત્યુ ઘટીને જિલ્લામાં ૬ મોત નોંધાયા હતા. જેમાં ગઈકાલે જૂનાગઢ સીટીમાં એક પણ દર્દીને કોરોના ભરખી શકયો ન હતો.

પરંતુ જૂનાગઢ રૂરલ તથા કેશોદ, ભેસાણ અને વિસાવદરમા એક-એક તેમજ માણાવદરમાં બે કોવીડ દર્દીના મોત નિપજયા હતા.

૨૪ કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં નવા નોંધાયેલા ૪૯૭ કેસની સામે સૌથી વધુ ૨૫૭ દર્દી જૂનાગઢ શહેરના સહિત કુલ ૩૬૧ પેશન્ટોએ કોરોના પર વિજય મેળવ્યો હતો.

શુક્રવારે ગુજરાતના વિવિધ વિસ્તારોની માફક જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાની રફતારને બ્રેક લાગતા રાહત પ્રસરી છે.

(10:32 am IST)