Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

દ્વારકાના જગત મંદિરમાં અક્ષય તૃતિયાના દર્શન : દ્વારકાધીશજીને ચંદનના શણગાર

વાસદાર પુજારી પરિવારે નિભાવી પરંપરા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા,તા. ૧૫ : દ્વારકાના જગત મંદિરમાં આજે ભગવાન દ્વારકાધીશને ચંદનના શણગાર કરાયા છે અને અક્ષય તૃતિયાના ઉત્સવ ઓનલાઈન દર્શનની વ્યવસ્થા થઈ હતી.

દેશભરમાં આજે હિન્દુ ધર્મની પરંપરા મુજબ અક્ષય તૃતિયા ઉત્સવ ભાવભેર ઉજવાયો છે, ત્યારે દ્વારકાધીશજીના ધોળી ધ્વજાવાળાના ભવ્યાતિ ભવ્ય ચંદન વાદ્યાના લેપ સાથે ભગવાનને આજે ઉનાળાની ઋતૃમાં ઠંડાગાર રાખવા માટે ચંદન વાઘાથી શુશોભિત કરવામાં આવ્યા છે. શંખ, પદ્મ, ગદા, ચક્ર અને મોરલીવારા, છડીદાર સાથે દ્વારકાધીશજીના અલૌકિક દર્શનનો લાભ ભાવિકોએ ઓનલાઈન લીધો હતો.

મંદિરના વારાદાર પૂજારી મહેશ્વરભાઈ તથા પરિવારના પૂજારીજનોએ બપોરે ૧ર-૩૦ કલાકે ભગવાન શ્રી દ્વારકાધીશજી મહાઆરતી કરીને વાજતે ગાજતે ભગવાનને સ્વાદિષ્ટ ભોજનનો રાજભોગ કરાવાયો હતો.

સફેદ કલરની માત્ર ધોતીમાં પારિધાન ભગવાનના દસે અંગોમાં ચંદનનો લેપ કરાવીને સફેદ કલરના ફૂલોનો શણગાર ભગવાનને કરાયો હતો. દ્વારકાધીશ મંદિર તારીખ ૧૮ મે સુધી બંધ રહેશે.

હાલની કોરોના મહામારીના સંદર્ભમાં દ્વારકાધીશ મંદિરના વહીવટદાર પ્રાંત અધિકારીની યાદીમાં જણાવ્યા પ્રામણે તા. ૧૮-પ-ર૦ર૧ સુધી દ્વારકાનું જગતમંદિર (દ્વારકાધીશ મંદિર) દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. પૂજારી પરિવાર દ્વારા પારંપારિક નિત્યક્રમ કરાશે. (તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(11:58 am IST)