Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

જામનગર માં પ્રેમ પ્રકરણ ને લઈને એક જ કલાકની અંદર સાસુ જમાઈ ની બેવડી હત્યાનો કિસ્સો

જામનગર : એક વર્ષ પહેલા યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવાનનું યુવતીના પરિવારના સભ્યોએ ઘાતકી હત્યા નિપજાવી છે. તો બીજી તરફ યુવકના પરિવારજનોએ પણ સામેપક્ષે સાસુની હત્યા કરી દેતા સનસનાટી મચી ગઇ છે.

જામનગર ના હાપા વિસ્તારમાં આવેલ યોગેશ્વર ધામમાં બેવડી હત્યાની ઘટના સામે આવી છે. ચારણ યુવકે ક્ષત્રિય પરિવારની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને ત્યારથી જ વેરઝેર ચાલી રહ્યા હતા. રવિવારે સવારે સોમરાજ નામનો યુવક જામનગર રાજકોટ હાઇવે ઉપર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અતુલ ઓટો ના શોરૂમ નજીક યુવકને યુવતીના પરિવારજનો એ ઘેરવા પ્રયાસ કર્યો હતો. પણ યુવક શોરૂમ માં ભાગી પહોંચે ત્યાજ હથિયાર સાથે યુવતી ના પરિવારજનોએ આવી શોરૂમ માં જ હુમલો કરી હત્યા નિપજાવી હતી. 

સોમરાજ નામના યુવકની હત્યા નિપજાવી યુવતીના પરિવારજનો ભાગી છૂટયા હતા આ અંગે ની જાણ થતાજ સોમરાજના પરિવારજનો શોરૂમે પહોંચ્યા હતા અને ત્યાંથી યુવતીના ઘરે મૃતક યુવાન સોમરાજના પરિવારજનોએ પહોંચીને યુવતીની માતા અને યુવકના સાસુ આશાબા ઝાલા પર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી. 

જામનગરમાં હાપા વિસ્તારમાં એક જ કલાકમાં હત્યા ની બે વારદાત ને લઈને તાત્કાલિક પંચકોશી એ ડિવિઝન અને પંચકોશી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારે આ સમગ્ર બેવડી હત્યા ને પગલે શહેરભરમાં ભારે ચર્ચા મચતા એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી કૃણાલ દેસાઇ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ લઈને ડબલ મર્ડર ના આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાંથી કેટલાક હત્યામાં સંડોવાયેલા લોકો ને અટક માં લઈ ને બનેના મૃતદેહોને પીએમ માટે મોકલી વિધિવત ગુન્હો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

(7:18 pm IST)