Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

તળાજાના ખેડૂતોનો વિજ પ્રશ્ન હલ કરો નહિતર આંદોલન રૂપી કરંટ આપીશું : ધારાસભ્ય કનુભાઇ બારૈયાની ચિમકી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૫ : ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં તાઉતે વાવાઝોડા બાદ ખાસ કરીને ખેતીવાડીના વિજપોલ પડી જવાથી આજ સુધી હજુ અનેક ખેતર વાડીમાં લાઈટ આવી નથી. વારંવાર રજુઆત કરવા છતાંય તંત્ર દ્વારા માત્ર ખો આપવામાં આવતી હોવાની લાગણી ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ વ્યકત કરી છે.

તળાજા ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ જિલ્લા કલેકટરને લેખિતમાં ખેડૂતના વિજપ્રશ્નોને લઈ રજુઆત અને આંદોલનની ચીમકી બંને આપી છે. ખેતર વાડીમાં હજુ પચાસ ટકા જેટલાજ વિજપોલ ઉભાથયા છે. રજુઆત સમયે માણસો ઓછા છે તેવા જવાબો આપવામાં આવે છે. ખેડૂતોને ખેતીમાં વીજળી તાત્કાલિક મળે તે જરૂરી છે. જેને લઈ આગામી તા.૧૭ને ગુરૂવાર સુધીમાં રાજયનું વિજતંત્ર પૂરતા માણસો તળાજા માટે નહીં ફાળવે તો તા.૧૮ થી ખેડૂતોને સાથે રાખી તળાજા ડે.કલેકટર કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે.

તળાજા પંથકમાં વાવાઝોડાને લઈ થયેલ નુકશાનીના સર્વેને લઈ અમુક અંશે લોકોમાં રોષ છે.આરોપ છેકે નુકશાનીનો સર્વે અધૂરો થયો છે.જેને લઈ તળાજા ગામડાના સરપંચ, ગ્રામ સેવક દ્વારા ધારાસભ્ય ને સર્વેના ફોર્મ હવે નહિ ભરવામાં આવે તેવી વાત કરવામા આવે છે. ધારાસભ્ય કનુભાઈ ચાલુ મોબાઈલ એ જિલ્લા ખેતીવાડી અધિકારીને ગામડાના લોકોને અન્યાય થઈ રહ્યો છે.તેમ જણાવે છે. વારંવાર ખેડૂતોના હિત ખાતર વિનંતી કરતા હોય તેવો ઓડીઓ વાયરલ થયો છે.

ખેડૂત એકતા મંચ દ્વારા અંધારપટ્ટ દૂર કરવા તળાજા મહુવામાં ઢોલ નગારા વગાડવા તૈયાર

ખેડૂત એકતા મંચના ભરતસિંહ વાળા અને કાર્યકતોએ મામલતદાર ને આપેલ લેખિતમાં ખેડૂતોનો વિજપ્રશ્ન હલ કરવા અપીલકરી છે. તા.૧૮ સુધીમાં યોગ્ય કરવામાં નહિ આવે તો તળાજા અને મહુવા બજારે બજારે ઢોલ નગારા વગાડીને મામલતદાર કચેરી સામે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.

(10:28 am IST)