Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

તળાજા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં એક જ દિવસમાં ફંગસના ૭૨ દર્દીઓ આવ્યા

પરિણામ મળતા આયુર્વેદ ઉપચાર કરાવવા માટે હવે ગુજરાત બહારથી પણ દર્દીઓ આવવા લાગ્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૫ : કોરોનાની ગંભીર બીમારી માં લાંબો સમય સપડાયા બાદ અનેક લોકો મ્યુકરમાઇકોસીસ નો ભોગ બન્યા છે. આ રોગ હજુ વકરી રહ્યો હોય તેમ આજે તળાજા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે જોવા મળ્યું હતું.

રાજય સરકાર દ્વારા સંચાલિત રાજયમાં અનેક આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે.પણ તેમાં તળાજા ની આયુર્વેદિક હોસ્પિટલ માં વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા કોરોના અને ફંગસની આયુર્વેદ પદ્ઘતિ દ્વારા થતી સારવારને લઈ મળી રહેલા પરિણામો ને લઈ તળાજા ખાતે આજે રાજયના સીમાડા વટાવી હવે આંતરરાજયના દર્દીઓ પણ અહીં આયુર્વેદ ઉપચાર કરાવવા આવી રહ્યા છે.

વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ માહિતી આપી હતી કે આજે એકજ દિવસમાં ૭૨ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાં ૩૦ દર્દીઓ સારવાર લઈને જેને સારું પરિણામ મળી રહ્યુ છે તેવા દર્દીઓ હતા. ૪૨ દર્દીઓ નવા હતા.જે ફંગસ થી પીડિત હતા. આજ સુધીમાં કુલ ત્રણસો જેટલા દર્દીઓનો ઉપચાર આયુર્વેદિક પદ્ઘતિથી કરવામાં આવ્યો છે.જેમાં એવા પણ દરદીઓ હતા જેને આંખનું વિઝન ચાલ્યું ગયુ હતુ તેમાં પણ વિઝન આવી રહ્યું છે. ફંગસમાં આયુર્વેદ શ્રેષ્ઠ પરિણામ મળી રહ્યાનું જણાવ્યું હતું.

કલેકટરને રજુઆત કરવામાં આવી છે : માયાભાઈ આહીર

પ્રસિધ્ધ સાહિત્યકાર માયાભાઈ આહીરે જણાવ્યું હતું કે તળાજા આયુર્વેદિક હોસ્પિટલમાં ફંગસના દર્દીઓને મફતમાં સારવાર અને ઉપલબ્ધ ઔષધિ મળી રહી છે.જે મુલાકાત સમયે જોવા મળ્યું હતું. રાજયભરમાંથી અહીં દર્દીઓ આવી રહ્યા હોય જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી છે.જેમાં તળાજા આયુર્વેદિક હોસ્પિટલમાં સુવિધાઓ વધારવામાં આવે. દર્દીઓને વધુ લાભ મળી શકે.

સરકારનું તાત્કાલિક ધ્યાન દોરીશું : જિલ્લા યુવા ભાજપ

જિલ્લા યુવા ભાજપના નવ નિયુકત અધ્યક્ષ નીરવ જોષીએ જણાવ્યું હતુંકે રાજય સરકાર,આયુષ વિભાગ દ્વારા સંચાલિત તળાજા ની આયુર્વેદિક હોસ્પિટલમાં ફંગસના દર્દીઓની મફત સારવાર થઈ રહી છે.તેમાં પણ વધુ ને વધુ લોકોને અહીં પૂરતી ઔષધિ મળી રહે. સુવિધામાં વધારો થાય તે માટે જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સરકારને તાત્કાલિક રજુઆત કરવામાં આવશે.

(10:29 am IST)