Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગોંડલના બિલીયાળામાં પ્રૌઢ ઉપર હુમલાના વિરોધમાં ગામ બંધ

આરોપીઓને ઝડપી લઇને કડક સજા કરવા સરપંચ અને ગ્રામજનોની માંગણી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૫: નેશનલ હાઈવે ઉમવાડા ચોકડી પાસે બિલીયાળા થી નવા માર્કેટયાર્ડ જઇ રહેલાં પ્રૌઢ પર આઠ થી દશ હથીયારધારી શખ્‍સો એ હુમલો કરતાં ઇજાગ્રસ્‍ત હાલતમાં હોસ્‍પિટલ ખસેડાયાં હતાં.

માર્કેટયાર્ડમાં કિશાન ભોજનાલય ચલાવતાં હંસરાજભાઈ મનજીભાઈ ડોબરીયા સવારે પોતાની કારમાં ગોંડલ યાર્ડમાં જવાં નિકળ્‍યાં હતાં.આ વેળા બોલારો અને મોટર સાયકલ સાથે ઘસી આવેલાં બિલીયાળાનાં અતુલ ખીંટ,તેનો ભાઇ માંડો,લાલો ખીંટ, રઘો ધરાંગીયા, કાળુ, જગદિશ, વિશાલ સહીતનાં શખ્‍સોએ હંસરાજભાઈની કાર આડે બોલેરો સહીત વાહનો આડા રાખી કાર અટકાવી ગાળાગાળી કરી હતી.હંસરાજભાઈ એ કારનો દરવાજો ખોલતાં આ શખ્‍સો એ ધારીયા સહીતનાં હથીયારો વડે હુમલો કરતાં માથાંનાં ભાગે ગંભીર ઇજા પંહોચતા હોસ્‍પિટલમાં ખસેડાયાં હતાં.બનાવબાદ હુમલાખોર નાશી છુટયાં હતાં.

બનાવ અંગે હંસરાજભાઈ એ પોલીસ ફરીયાદમાં જણાવ્‍યું કે ઉપરોકત શખ્‍સો બિલીયાળા નાં પાદર માં ઢોર રાખતાં હોય ઉપરાંત ટ્રાફીકને નડે તે રીતે પાલાની ગાડી રાખતાં હોય અગાઉ ઠપકો આપ્‍યો હતો.જેનો ખાર રાખી સવારે હુમલો કરાયો હતો. બનાવ અંગે પોલીસે ગુન્‍હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ બાદ હુમલાખોરોને ઝડપી લઇને કડક સજાની માંગ સાથે બિલીયાળા આજે સજ્જડ બંધ રહ્યું છે અને સરપંચ તથા ગ્રામજનોએ હુમલાની ઘટના સામે આક્રોશ ઠાલવ્‍યો છે.

(11:16 am IST)