Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

હજુ અસહ્ય બફારો યથાવતઃ વરસાદના વાવડ નથી

ગોંડલમાં સવારે વાદળા છવાયાઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધૂપ-છાંવઃ બપોરે ગરમી વધુ

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે અસહ્ય બફારો થઈ રહ્યો છે. જો કે હજુ સુધી વરસાદના કોઈ વાવડ નથી. ગોંડલમાં આજે સવારે વાદળા છવાયા હતા. જ્‍યારે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધૂપ-છાંવનો માહોલ છે અને બપોરે વધુ ગરમી પડે છે.

રાજ્‍યના લોકો સતત વરસાદની રાહ જોઈ રહ્યા છે કે ક્‍યારે વરસાદ આવશે અને ક્‍યારે બફારામાંથી મુકિત મળશે. ત્‍યારે હવામાનમાં પણ સતત ઉતારચડાવ જોવા મળી રહ્યો છે. જેમાં વાદળા ઘેરાવા છતા પણ વરસાદ વરસતો નથી ત્‍યારે હવાની ગતિમાં પણ બદલાવ જોવા મળ્‍યો છે. જેમાં પવન હાલ પમિ તરફથી વહી રહ્યો છે ત્‍યારે ચોમાસુ શું આઘું જશે ? તે પણ એક પ્રશ્ન છે. હાલ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૫ દિવસ રાજકોટ સિવાય સૌરાષ્‍ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના સ્‍થળો પર ઝાપટા પડવાની આગાહી વ્‍યકત કરવામાં આવી છે. સામે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્‍યુ છે કે, ગુજરાતમાં ચોમાસું ૧૮ તારીખના રોજ આવશે. જેનુ કારણ એ છે કે, ભારે પવનના કારણે જ વાદળા બંધાવા જોઈએ તે બંધાયા નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ જે સમયે દક્ષિણ પમિી પવન રહેતો હોય ત્‍યારે સોમવારના દિવસે સતત પમિ દિશાનો પવન વહેતો થયો હતો ત્‍યારે જે ચોમાસુ ચાર દિવસ જેટલુ દૂર રહ્યું છે તેનુ મુખ્‍ય કારણ હવાની દિશા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી, લઘુતમ ૨૮.૫, હવામા ભેજ ૭૮ ટકા અને પવનની ઝડપ ૧૩.૪ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

જૂનાગઢ

(વિનુ જોશી) જૂનાગઢઃ આજથી ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો છે પરંતુ હજુ વરસાદના વાવડ કે એંધાણ નથી.

ચોમાસાનો સત્તાવાર પ્રારંભ ૧૫ જૂનથી થાય છે તે મુજબ આજથી વર્ષાઋતુની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ મેઘરાજાની પધરામણીની શકયતા નજરે પડતી નથી.

જૂનાગઢ શહેર તેમજ જિલ્લામા આજે સવારથી આકાશમાં વાદળા પ્રવર્તે છે. વાદળાના આક્રમણથી સૂર્યનારાયણને સંતાકુકડી રમવાની ફરજ પડી હતી.

જૂનાગઢનું સવારનું લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ રહ્યુ હતુ. વાતાવરણમાં ભેજને લઈ ઉકળાટ અને બફારો અસહ્ય થતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

(11:43 am IST)