Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

લોક ગાયિકા ગીતા રબારીના રસીકરણ વિવાદ મુદ્દે હવે 'આપ'એ ઝંપલાવ્યું :કાર્યવાહી કરવાની માંગણી

આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં આસિસ્ટન્ટ કલેકટરને આવેદનપત્ર આપ્યું

ભુજ : લોકગાયિકા ગીતા રબારીનો રસીકરણ વિવાદ સમવાનું નામ નથી લઇ રહ્યો. હવે ગીતા રબારી વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આપ દ્વારા ગીતા રબારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

લોકગાયિકા ગીતા રબારીને ઘેરબેઠા રસી આપવાનો વિવાદ હજી શમ્યો નથી,કચ્છમાં આમ આદમી પાર્ટીએ આ અંગે ગીતા રબારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. શનિવારે ભુજના માધાપર ગામે ગીતા રબારી અને તેના પતિ પૃથ્વી રબારીને આરોગ્ય વિભાગની ફિમેલ હેલ્થ સુપરવાઈઝર દ્વારા ઘરે જઈ રસી અપાઈ હતી.

એક તરફ લોકોને રસી મળતી નથી. ત્યાં ગીતા રબારીને ઘેરબેઠા કોરોના વેકસીન મળતા ભારે વિવાદ થયો હતો. આ મુદ્દો ઘણો ચગ્યો હતો. આમ આદમી પાર્ટીએ પણ આ વિવાદમાં ઝંપલાવી ગીતા રબારી સામે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે. કારણકે તંત્રએ તો ગીતા રબારીને ફરી આવું કૃત્ય ન કરવા પત્ર લખી જવા દીધી છે પણ ધાક બેસાડતી કાર્યવાહી કરી નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં સેલિબ્રિટી અને ખાસ લોકોને નિયમો નડતા જ નથી. વેકસીનેશનના જટિલ નિયમો માત્ર સામાન્ય લોકોને જ નડે છે ગીતા રબારીને ક્યાં રાજકારણી અને ક્યાં અધિકારીના કહેવાથી ઘેરબેઠા રસી મળી તેની તપાસ કરવામાં આવે અને તેઓ વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવે તેવી માંગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં આસિસ્ટન્ટ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(7:19 pm IST)