Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ખંભાળીયામાં ધો-૧૦ અને ૧૨ના ચારણ-ગઢવી સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સન્‍માનિત કરાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયા, તા.૧૫:  જડેશ્વર રોડ પર આવેલ સોનલ ધામ ખાતે ચારણ-ગઢવી કુમાર છાત્રાલયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારણ-ગઢવી સમાજના વર્ષ-૨૦૨૨માં ધો-૧૦ અને ૧૨માં પાસ થયેલ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું આઇશ્રી સોનલમાં એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શનિવારે વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ તકે આઈશ્રી હિરલમાતાજીની વિશેષ ઉપસ્‍થિતિમાં ટ્રસ્‍ટીઓ અને આઈશ્રી હિરલ માતાજી દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ તકે ૭૦ જેટલા ધો-૧૦/૧૨માં પાસ થયેલ ચરણ ગઢવી સમાજના તેજસ્‍વી ભાઈઓ બહેનોને હિરલ માં અને ટ્રસ્‍ટીઓ અને સમાજ અગ્રણીઓને હસ્‍તે પ્રમાણપત્ર અને સ્‍કૂલ બેગ આપી તેમજ દ્વારકા જિલ્લામા ચારણ ગઢવી સમાજમાંથી જે વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ માં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ તેને રોકડ પુરસ્‍કાર આપીને સન્‍માનિત કરાયા હતા.

આઈશ્રી હિરલમાં દ્વારા આ તકે સમાજને દીકરાઓની જેમ દીકરીઓને પણ ભણાવવા ખાસ જણાવ્‍યું હતું. તેમજ ટ્રસ્‍ટના તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી હવે આગળ શું કરવું કઈ દિશામાં વધવું તે સહિતની માહિતી આપી હતી તેમજ મોટિવેશન વકતવ્‍ય આપવામાં આવ્‍યું હતું અને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા તેમજ તેજસ્‍વી તારલાઓ ને ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા સર્વે નો શ્રી સોનલમાં એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આભાર વ્‍યક્‍ત કરાયો હતો.

(10:48 am IST)